
વિશ્વભરના ભારતીયોએ સોમવાર, 26 જાન્યુઆરીએ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના પ્રમુખ શી જિનપિંગ અને ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોન અને ભૂટાનના વડાપ્રધાન સહિત વૈશ્વિક નેતાઓએ ભારત સાથેની તેમની મજબૂત મિત્રતાને ઉજાગર કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. ભારતીય ડાયસ્પોરાએ પરંપરાગત પોશાક પહેરીને વિદેશમાં દેશના મિશનમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. ભારતના વિદેશી મિશનોમાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
77મા પ્રજાસત્તાક દિવસની ભારતને શુભેચ્છાઓ પાઠવીને યુએસ પ્રેસિડન્ટ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સના લોકો વતી હું ભારતની સરકાર અને લોકોને 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. વિશ્વના સૌથી જૂના અને સૌથી મોટા લોકશાહી દેશો તરીકે અમેરિકા અને ભારત ઐતિહાસિક બંધન ધરાવે છે.
ફ્રાન્સના પ્રેસિડન્ટ મેક્રોને X પર પોતાનો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો પોસ્ટ કર્યો અને કહ્યું હતું કે “2024માં આપણે સાથે મળીને શેર કરેલા #RepublicDay ની કેટલી અદભૂત યાદ!”
બેઇજિંગમાં ભારતીય રાજદૂત શ્રી પ્રદીપ કુમાર રાવતે ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો હતો અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના રાષ્ટ્રને સંબોધનના અંશો વાંચી સંભળાવ્યાં હતાં. ઉજવણીમાં વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા ગુંજી ઉઠ્યાં હતાં. દરેક વ્યક્તિ ગર્વ અને એકતાની ભાવના સાથે રાષ્ટ્રીય ગીત ગાયું હતું. શાંઘાઈમાં ભારતના કોન્સ્યુલ જનરલ પ્રતીક માથુરે ત્રિરંગો ફરકાવ્યો હતો.












