(ANI Photo)

ભારતના પ્રવાસે ગયેલી ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમને પાંચ ટી-20 ઈન્ટરનેશનલ્સની સીરીઝમાં મુખ્યત્વે ભારતીય બેટર્સે બેરહેમીપૂર્વક હરીફ ટીમના બોલર્સને ઝુડી નાખીને, તો આંશિક રીતે ભારતીય બોલર્સે પણ કિવિ બેટર્સને પોતાના તાલે નચાવીને પહેલી ત્રણે ટી-20માં ધમાકેદાર વિજય સાથે સીરીઝમાં વિજય નોંધાવ્યો હતો. હવે બાકીની બે ટી-20માં બ્લેક કેપ્સના હાલ કેવા થશે એ વિષે તો કલ્પના જ કરવી રહી

ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે (25 જાન્યુઆરી) રમાયેલી ત્રીજી ટી-20માં ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવી ભારતે સીરીઝ કબજે કરી લીધી હતી. ટોસ જીતીને ભારતે ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું, જેમાં કિવી ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 153 રન સુધી પહોંચી હતી.

ભારતીય ટીમે જવાબમાં ફક્ત 10 જ ઓવરમાં અને તે પણ માત્ર બે વિકેટ ગુમાવી 155 રન ઝુડી નાખ્યા હતા. આ વિજયના મુખ્ય હીરો અભિષેક શર્મા અને સૂર્યકુમાર યાદવ રહ્યા હતા, જેમણે મેદાનની ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાની રમઝટ બોલાવી હતી. એ પહેલા બોલિંગમાં જસપ્રિત બુમરાહ અને રવિ બિશ્નોઈએ કિવી બેટરોને જાણે માયાજાળમાં જકડી રાખ્યા હતા.

ન્યૂઝીલેન્ડ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 40 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 48 રન કર્યા હતા. તેના સિવાય માર્ક ચેપમેને 23 બોલમાં 32 અને સુકાની મિશેલ સેન્ટનરે 17 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું.

ભારતીય બોલરોના ચતુરાઈભર્યા આક્રમણમાં જસપ્રિત બુમરાહે ચાર ઓવરમાં માત્ર 17 રન આપી 3 વિકેટ ઝડપી હતી, તો રવિ બિશ્નોઈએ ચાર ઓવરમાં 18 રન તથા હાર્દિક પંડ્યાએ ત્રણ ઓવરમાં 23 રન આપી બે-બે વિકેટ ખેરવી હતી.
ભારતીય બેટિંગના ઝંઝાવાતમાં અભિષેક શર્માએ માત્ર 20 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે અણનમ 68 રન તથા સુકાની સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે અણનમ 57 રન કર્યા હતા.

ઇશાન કિશને પણ 13 બોલની ટુંકી ઈનિંગમાં 3 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 28 રન કર્યા હતા. સંજુ સેમસન શૂન્ય રને આઉટ થયો હતો.

નિર્દયી રીતે ઝુડાયેલા ન્યૂઝીલેન્ડના બોલરોમાં મેટ હેનરી અને ઈશ સોઢીએ બે-બે ઓવરમાં બન્નેએ 28-28 રન આપી એક-એક વિકેટ લીધી હતી. જેકબ ડફીએ બે ઓવરમાં 38, કાઈલ જેમીસને 1 ઓવરમાં 17 રન, મિચેલ સેન્ટનરે 2 ઓવરમાં 28 રન અને ગ્લેન ફિલિપ્સે 1 ઓવરમાં 16 રન આપ્યા હતા, પરંતુ તે બધા વિકેટ વિનાના રહ્યા હતા.

LEAVE A REPLY