વિતેલા જમાનાની પીઢ અભિનેત્રી નીના ગુપ્તાએ તાજેતરમાં પોતાને કામ અંગે થયેલા એક કડવા અનુભવને રજૂ કર્યો હતો. તેણે એક ટોક શોમાં જણાવ્યું કે, ફિલ્મમાંથી તેને હટાવવામાં આવ્યા તેની જાણ તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ-ઇન્સ્ટાગ્રામ દ્વારા થઈ હતી.
નીના ગુપ્તાએ કહ્યું કે, ‘એક ફિલ્મ માટે મને બોલાવવામાં આવી હતી અને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે ‘તમારે જ આ ભૂમિકા ભજવવાની છે, જવાબમાં મેં પણ હા કહી હતી. નિર્માતાઓ સાથે શૂટિંગની તારીખો અને મહેનતાણાં અંગે ચર્ચા પણ કરી હતી, પરંતુ થોડા દિવસો પછી, ’હું ઇન્સ્ટાગ્રામ જોઈ રહી હતી ત્યારે મેં જોયું કે મારી ઉંમરની એક અભિનેત્રી તેમની ઓફિસમાં જઈ રહી હતી.
થોડા જ સમયમાં સ્પષ્ટ થઈ ગયું કે, મને જે રોલ આપવામાં આવ્યો હતો તે હવે અન્ય કલાકારને આપવામાં આવ્યો હતો. ‘મને જાણ થઇ કે મારા સ્થાને તેમને લેવામાં આવી છે. આ બાબતે મૌન રહેવાને બદલે મેં સીધો સંવાદ કરવાનો નિર્ણય લીધો. મેં તેમને મેસેજ કરીને જણાવ્યું કે, કમસે કમ મને જાણ તો કરવી હતી. ઠીક છે, તમારો વિચાર બદલાયો હશે અને તમને લાગ્યું હશે કે એ કલાકાર તે પાત્ર માટે વધુ યોગ્ય છે.’
નિર્માતા તરફથી પણ યોગ્ય પ્રતિસાદ મળ્યો હતો. તે અંગે નીનાએ કહ્યું, ‘તેમણે જવાબમાં કહ્યું કે ‘માફ કરશો, મારી ભૂલ થઈ. મારે તમને જણાવવું જોઈતું હતું.’ હવે અમારી વચ્ચે કોઈ કડવાશ નથી. અમે મિત્ર જ છીએ. તેમ છતાં, કોઈ સૂચના વગર ફિલ્મમાંથી બદલવામાં આવે ભાવનાત્મક રીતે આઘાત પહોંચાડે છે.’













