૭૧મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો ૨૦૨૩ દરમિયાન રાષ્ટ્રપતિ દોરૂપદી મુર્મુએ જાનકી બોડીવાલાને ગુજરાતી ફિલ્મ વશ માટે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી (શેર કરેલ) નો રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ કર્યો હતો. . (ANI Photo/Rahul Singh)

છેલ્લા કેટલાક વર્ષોથી ભારતની પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં ગુજરાતી સિનેમાની સફળતાનો ગ્રાફ સતત ઉંચે જઇ રહ્યો છે. ઘણા સમયથી અર્બન ગુજરાતી ફિલ્મો સ્થાનિક દર્શકોને પસંદ આવી રહી છે. એક સમયે ગુજરાતી દર્શકો માત્ર હિન્દી ફિલ્મોને પસંદ કરતા હતા. પરંતુ ધીરે ધીરે ગુજરાતી ફિલ્મોનું સ્ટાન્ડર્ડ સુધર્યા પછી પછી સ્થિતિ બદલાઇ છે. બોલીવૂડમાં તમિલ અને તેલુગુ ફિલ્મોએ પોતાનું સ્થાન બનાવ્યું છે. આવા અનેક પડકારો વચ્ચે ગુજરાતી ફિલ્મો દર્શકોને આકર્ષવામાં સફળ થઇ રહી છે. આજે તે ભારતની સૌથી ઝડપથી આગળ વધતી પ્રાદેશિક સિનેમાની ઇન્ડસ્ટ્રી બની ગઈ છે.

ઓર્મેક્સ મીડિયાના એક રીપોર્ટ મુજબ, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ 2015માં 46 કરોડથી આજે 104 કરોડ સુધી પહોંચી ગયો છે, જે એક દાયકામાં ડબલથી પણ વધુ છે. માત્ર છેલ્લા ત્રણ વર્ષમાં જ ગુજરાતી સિનેમાની કમાણી પંજાબી ઇન્ડસ્ટ્રી, બંગાળી અને મરાઠી સિનેમાથી આગળ વધી ગઈ છે. થોડાં સમય પહેલાં સુધી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાંથી બજેટની મર્યાદાઓ, સુવિધાઓની ખામી અને દર્શકો માટે ગુજરાતી ફિલ્મના અભિગમના અભાવ જેવા પડકારો અંગે ફરિયાદો આવતી રહી છે.

લાલો – કૃષ્ણ સદા સહાયતે, ચણિયા ટોળી, વશ લેવલ 2, ઓલ ધ બેસ્ટ પંડ્યા, ઉંબરો, બચુની બેનપણી વગેરે જેવી ફિલ્મોએ દર્શકોને આકર્ષવામાં મદદ કરી છે, આટલા દર્શકો ઇન્ડસ્ટ્રીએ પહેલાં ક્યારેય જોયાં નથી. તેનાથી પ્રોડ્યુસર્સનો વિશ્વાસ પણ વધ્યો છે અને ગુજરાતી ફિલ્મોમાંથી ઘણી ખામીઓ દૂર થઇ રહી છે અને તેમાં વૈવિધ્ય પણ જોવા મળી રહ્યું છે.

તાજેતરની લાલો – કૃષ્ણ સદા સહાયતે ફિલ્મે તો કેટલીક હિન્દી ફિલ્મના બિઝનેસના રેકોર્ડ પણ તોડી નાખ્યા છે. અંકિત સખિયાની ફિલ્મે રીલીઝ થયા પછી રૂ. 100 કરોડનો આંકડો સરળતાથી પાર કરી લીધો હતો. તે સૌથી વધુ બિઝનેસ કરનારી ગુજરાતી ફિલ્મ બની હતી.

યશ સોની અભિનિત અને જય બોડાસ દિગ્દર્શિત ચણિયા ટોળી ફિલ્મે 18.29 કરોડનો બિઝનેસ કર્યો હતો. કૃષ્ણદેવ યાજ્ઞિકની જાનકી બોડિવાલાની ફિલ્મ વશ લેવલ 2એ 13.64 કરોડનો બિઝનેસ કર્યો હતો. જ્યારે સાત મહિલાઓની લંડનની સફર દર્શાવતી અભિષેક શાહે ડિરેક્ટ કરેલી ઉંબરોએ 14.69 કરોડનો બિઝનેસ કર્યો હતો. તો મલ્હાર ઠાકરની રાહુલ ભોલે અને વિનિત કનોજિયા દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યાએ 12.07 કરોડની કમાણી કરી હતી. સિદ્ધાર્થ રાંદેરિયાની વિપુલ મહેતાએ ડિરેક્ટ કરેલી ફિલ્મ બચુની બહેનપણીએ 12.08 કરોડનો બિઝનેસ કર્યો હતો.
ગુજરાતી સિનેમાની આટલી લોકપ્રિયતા આકસ્મિક નથી, તે ધીરે ધીરે વધી છે. આજે ગુજરાતી પ્રોડક્શન્સ શિસ્ત અને મહત્વાકંક્ષા સાથે ફિલ્મને સતત સહકાર આપી રહ્યા છે.

વિવિધ ડિજિટલ પ્લેટફર્મ પર ગુજરાતી કન્ટેન્ટ પણ વધી રહ્યું છે, તેથી નેશનલ-ઇન્ટરનેશનલ દર્શકો સુધી ફિલ્મો પહોંચી છે. નવા ફિલ્મ મેકર્સ, એક્ટર્સ, ટેક્નિશિયન્સ અને લેખકો આત્મવિશ્વાસ અને સમજ સાથે ઇન્ડસ્ટ્રીમાં જોડાઈ રહ્યા છે. ગુજરાત સરકાર ફિલ્મ બનાવવા માટે 75 લાખ સુધીની સબસિડી આપે છે, તેથી ઘણા ફિલ્મ મેકર્સ માટે ફિલ્મો બનાવવાનું શક્ય બન્યું છે.

LEAVE A REPLY