કેનેડા
પ્રતીકાત્મક તસવીર

શિવમ નામના 22 વર્ષીય ભારતીય નાગરિક પર પોતાના દેશના લોકોને કેનેડાની નોર્ધન બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસાડવામાં સંડોવણીનો આરોપ મુકવામાં આવ્યો છે. શિવમની અટક જાણી શકાઇ નથી. તેના પર વિદેશીઓને અમેરિકામાં ગેરકાયદે ઘૂસડાવાનું કાવતરું ઘડવાનો એક આરોપ અને અંગત નાણાકીય ફાયદો મેળવવા માટે ગેરકાયદે રીતે વિદેશીઓ અમેરિકામાં લાવવાના ચાર આરોપ મૂકવામાં આવ્યા છે. ન્યૂયોર્કના નોર્ધન ડિસ્ટ્રિક્ટની ફેડરલ ગ્રાન્ડ જ્યૂરીએ તાજેતરમાં આ કાવતરામાં તેની સંડોવણી બદલ આ આરોપ મૂક્યો હતો. કોર્ટના ડોક્યુમેન્ટસમાં જણાવ્યા મુજબ, શિવમે જાન્યુઆરીથી જૂન 2025 દરમિયાન આ ઘૂસણખોરી કરાવી હતી, જેમાં તેણે અમેરિકા-કેનેડા સરહદેથી લોકોને ન્યૂયોર્કની ક્લિન્ટન કાઉન્ટીમાં લોકોને ગેરકાયદે લાવવામાં મદદ કરી હતી. જાન્યુઆરી 2025માં, યુએસ બોર્ડર પેટ્રોલ એજન્ટોએ આ સરહદ નજીક સાથે મુસાફરી કરતા બે વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. એજન્ટોથી બચવા માટે બંને વાહનોએ ઝડપથી વાહન ભગાવતા એજન્ટોએ તેમનો પીછો કર્યો હતો. એક વાહન રસ્તા પરથી ઉતરીને અટકી ગયું હતું, જ્યારે બીજા વાહનને પછી ન્યૂયોર્કના મૂઅર્સ ખાતે રોકવામાં આવ્યું હતું. જસ્ટિસ ડીપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, આ બંને વાહનોમાં કુલ 12 ગેરકાયદે લોકો હતા. એક ડ્રાઇવર અને શિવમ દ્વારા જાન્યુઆરી 2025માં અને તે અગાઉ અનેકવાર કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે લોકોની ઘૂસણખોરી થઇ હોવાનું તેમની વચ્ચેના વોટ્સએપ મેસેજમાંથી જણાયું હતું. જેમાં વિવિધ પુરાવા, ફોટોગ્રાફ્સ અને ન્યૂયોર્કમાં સલામત ઘરો માટેની વિગતો હતી. આ ગુનામાં શિવમ દોષિત ઠરશે તો તેને દરેક ગુના માટે વધુમાં 10 વર્ષની જેલની સજા થઇ શકે છે. જો ગેરકાયદે રીતે લોકોને અમેરિકામાં ઘૂસાડવાના ચારેય ગુનામાં દોષિત ઠરશે તો તેને ઓછામાં ઓછી પાંચ અને વધુમાં વધુ 15 વર્ષની જેલ સજા થવાની સંભાવના છે.

LEAVE A REPLY