દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માં કેટલાક અસામાજીક તત્વો દ્વારા માસ્ક પહેરીને વિદ્યાર્થીઓ પર કરાયેલા હુમલાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. મુંબઈમાં મંગળવારે સવારે ગેટવે ઓફ ઈન્ડિયા પાસેથી પોલીસે ખસેડ્યા છે. વિરોધકર્તાઓ મોટાપાયે ગેટવે પાસે એકત્ર થયા હોવાથી રોડ ચક્કાજામ થઈ ગયો હતો જેને પગલે તેમને આઝાદ મેદાન ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું છે.
ગેટવે પાસે જેએનયુ હિંસાના વિરોધમાં લોકો એકત્ર થયા હતા જો કે વિરોધ પ્રદર્શન માટે નોંધપાત્ર લોકો ઉમટતા રોડ બ્લોક થઈ ગયો હતો અને પ્રવાસીઓ તેમજ લોકોને મુશ્કેલી પડી રહી હતી. પોલીસ અધિકારીના મતે દેખાવકારોને અન્ય સ્થળે ખસી જવા અપીલ કરાઈ હતી પરંતુ તેઓ કંઈ જ સાંભળવા તૈયાર ના હતા. ત્યારબાદ વિરોધીઓને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પાસેના આઝાદ મેદાન ખાતે ખસેડવાની ફરજ પડી છે.
મુંબઈ ઝોન 1 નાયબ પોલીસ કમિશનર સંગ્રામસિંહ નિશાનદારના જણાવ્યા મુજબ ‘દેખાવકારો મોટાપાયે એકત્ર થયા હોવાથી ટ્રાફિક તેમજ પ્રવાસીઓને મુશ્કેલી પડી રહી હતી. અમે તેમને આઝાદ મેદાન પર વિરોધ પ્રદર્શન કરવા અપીલ કરી હતી. જો કે કેટલાક જૂથે વાત માની નહતી, બાદમાં અમે તેમને આ સ્થળે ખસેડ્યા છે.’
વિરોધકર્તાઓમાં વિદ્યાર્થીઓ, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ થાય છે. મુંબઈના પ્રસિદ્ધ સ્થળ ગેટવે ખાતે હજારો લોકો રવિવાર રાતથી એકત્ર થઈ રહ્યા છે. તેઓ જેએનયુમાં છાત્ર-છાત્રાઓ પર થયેલી હિંસાનો વિરોધ નોંધાવી રહ્યા છે તેમજ જવાબદારો સામે કડક પગલાંની માંગ વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ સમક્ષ કરી રહ્યા છે.