કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જાણકારી આપી છે કે જો માતા-પિતાનું નામ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)માં છે તો તેમના બાળકોને આસામમાં ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં નહીં આવે. કેન્દ્ર તરફથી એટર્ની જનરલ કેકે વેણુગોપાલે સોમવારે સુપ્રીમ કોર્ટને આ જાણકારી આપી હતી.
વેણુગોપાલે જણાવ્યું હતું કે, હું આ વાતની કલ્પના નથી કરી શકતો કે બાળકોને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવશે અને તેમના પરિવારથી અલગ કરવામાં આવશે. જે માતા-પિતાને નાગરિકતા મળી ગઇ છે તેમના બાળકોને ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં નહીં આવે.
વેણુગાપાલે આ વાત ચીફ જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ સૂર્યકાંત અને બીઆર ગવઈની સંયુક્ત બેંચની સામે સુનાવણી દરમિયાન જણાવી હતી. સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને બાળકોની સુરક્ષાની માગણી કરવામાં આવી હતી જેમનું નામ એનઆરસીમાં સામેલ નથી. કેન્દ્રએ આ મામલે જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય માગ્યો હતો.
કોર્ટે તેના આદેશમાં આ આશ્વાસન દાખલ કર્યું કે, મિસ્ટર વેણુગોપાલ, એટર્ની જનરલ ઓફ ઈન્ડિયાએ જણાવ્યું છે કે, જે માતા-પિતાને ભારતની નાગરિકતા મળી ગઇ છે તેમના બાળકોને તેમનાથી અલગ કરાશે નહીં. આ અરજી પર ડિટેન્શન સેન્ટર મોકલવાના નિર્ણયને સ્થગિત રાખવામાં આવે છે.