કેન્દ્રના વાહનવ્યવહાર મંત્ર્યાલયે રાજ્ય સરકારોને એવી ચેતવણી આપી હતી કે ટ્રાફિકના નવા કાયદામાં કોઇ પણ પ્રકારની છૂટછાટ આપશો તો તમારે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી થયેલા દંડમાં છૂટછાટ કે રાહત આપવાની છૂટ રાજ્યોને હોતી નથી. એજ રીતે કેન્દ્રે ઘડેલા કાયદામાં કોઇ પ્રકારની રાહત રાજ્યો આપી શકે નહીં.

આવી છૂટછાટ લેનારા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવશે.સોમવારે વાહન વ્યવહાર મંત્ર્યાલયે સત્તાવાર રીતે આ જાહેરાત કરી હતી કે કોઇ પણ રાજ્યને ટ્રાફિકના નવા કાયદામાં રાહત આપવાની કે નક્કી થયેલો દંડ ઘટાડવાનો અધિકાર રહેતો નથી. કેન્દ્ર સરકારે બંધારણીય સત્તાના આઘારે નવો કાયદો ઘડ્યો છે જે દેશનાં તમામ રાજ્યોને બંધનકર્તા રહે છે.

એમાં કોઇ રાજ્ય અપવાદ રૂપે છૂટ લઇ શકે નહીં. કેન્દ્રે કહ્યું કે રાષ્ટ્રપતિની મંજૂરી વિના કોઇ રાજ્ય સરકાર એક પણ કાયદામાં છૂટ લઇ શકે નહીં. સોમવારે વાહન વ્યવહાર મંત્ર્યાલયે તમામ રાજ્યોને એક પરિપત્ર મોકલીને આ સ્પષ્ટતા કરી હતી.કેટલાંક રાજ્યોએ નવા ટ્રાફિક કાયદામાં છૂટછાટ લીધી હોવાના અહેવાલ પરથી વાહન વ્યવહાર ખાતાએ કાયદા ખાતાની સલાહ માગી હતી અને કાયદા ખાતાએ સલાહ આપ્યા બાદ આ પરિપત્ર તૈયાર કરાયો હતો.