ઈરાન અને અમેરિકાની વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાકના પાટનગર બગદાદના ગ્રીન ઝોન વિસ્તારમાં ફરી એક વાર રોકેટ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગ્રીન ઝોન બગદાદનો ખૂબ જ મહત્વપૂર્ણ વિસ્તાર છે જ્યાં અમેરિકા સહિત ઘણા દેશોની એમ્બેસીસ આવેલી છે. ઈરાકની સેનાએ આ હુમલાની પુષ્ટી કરતા કહ્યું છે કે ગ્રીન ઝોનની અંદર બે કત્યુશા રોકેટથી હુમલો થયો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર કોઈ જાનહાનીની જાણકારી મળી નથી. ઈરાનની કુદ્સ ફોર્સના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાનીનું અમેરિકી હવાઈ હુમલામાં મોત નિપજ્યા બાદથી જ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો છે. નોંધનીય છે કે બેમાંથી એક રોકેટ અમેરિકન એમ્બેસીથી લગભગ 100 મીટર દૂર ફેંકવામાં આવ્યું હતું. હજી સુધી કોઈ પણ સંગઠન કે દેશે આ હુમલાની જવાબદારી સ્વિકારી નથી.
આ અગાઉ 5 જાન્યઆરીના રજ પણ બગદાદના ગ્રીન ઝોનમાં ઈરાન સમર્થક મિલિશિયાએ કત્યુશા રોકેટ ફેંક્યા હતા. જેમાં કેટલાક રોકેટ્સ અમેરિકન એમ્બેસીની અંદર જઈને પડ્યા હતા. તેમ છતા પણ કોઈ જાનહાની થઈ હોવાની માહિતી મળી નથી. નોંધનીય છે કે ઈરાને બુધવારના રોજ અમેરિકાના ઈરાકમાં આવેલાં લશ્કરી થાણાંઓને નિશાન બનાવ્યાં હતાં.
ઈરાને એક પછી એક 22 મિસાઈલો છોડીને બગદાદમાં આવેલાં અમેરિકી થાણાં ફૂંકી મારવાનો દાવો કર્યો હતો. ઈરાને કહ્યું હતું કે, તેના મિસાઈલ હુમલામાં 80 અમેરિકી ‘આતંકવાદીઓ’ માર્યા ગયા છે. જોકે, અમેરિકા કે અન્ય દેશ તરફથી આ દાવાને કોઈ સત્તાવાર સમર્થન મળ્યું નથી. અહેવાલ પ્રમાણે ઈરાનના મિસાઈલ હુમલામાં અમેરિકાને કશું નુકસાન થયું નથી.