મેન ઓફ ધ મેચ રાજ બાવાએ પાંચ વિકેટ ખેરવી અને ૩૫ રન પણ કરી ઓલરાઉન્ડ દેખાવ કર્યો હતો અને રવિવારે વેસ્ટ ઈન્ડિઝમાં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડને ચાર વિકેટે હરાવી ભારતે રેકોર્ડ પાંચમીવાર ચેમ્પિયનનું ટાઈટલ હાંસલ કર્યું હતું.
વિજય માટેનો ૧૯૦ રનનો ટાર્ગેટ ભારતે ૪૭.૪ ઓવરમાં છ વિકેટ ગુમાવી પુરો કર્યો હતો. રાશિદ (૫૦) અને નિશાંત સંધુ (૫૦*)એ અડધી સદીઓ ફટકારી ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. દિનેશ બાનાએ ઉપરાઉપરી બે છગ્ગા સાથે ભારતને માથે તાજ મુક્યો હતો.
ઈંગ્લેન્ડે ટોસ જીતી પહેલા બેટીંગ લીધી હતી. રાજ બાવાએ ૩૧ રનમાં પાંચ અને રવિ કુમારે ૩૪ રનમાં ચાર વિકેટ ઝડપી વેધક બોલિંગ કરતાં એક તબક્કે તો ઈંગ્લેન્ડ ૬૧ રનમાં જ છ વિકેટ ગુમાવી ચૂક્યું હતું. એ પછી જેમ્સ રૅવ લડાયક ૯૫ રન કરી ટીમનો સ્કોર ૧૮૯ સુધી લઈ ગયો હતો. જવાબમાં ભારતે ૯૭ રનમાં તો કેપ્ટન યશ ધુલ સહિત ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ તબક્કે નિશાંત સંધુએ ૫૪ બોલમાં ૫૦ રનની અણનમ ઈનિંગ અને રાજ બાવા (૩૫) સાથે ૬૭ રનની ભાગીદારી કરી ટીમને વિજયના આરે લાવી દીધી હતી. આખરે દિનેશ બાનાએ ઉપરાઉપરી બે છગ્ગા ફટકારી વિજયની મહોર મારી દીધી હતી.
અંડર-૧૯ વર્લ્ડ કપ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમ વિન્ડિઝથી સીધી જ અમદાવાદ આવી પહોંચશે તેમ મનાય છે બીસીસીઆઇએ પ્રત્યેક ક્રિકેટરને રૂ. ૪૦-૪૦ લાખ અને સપોર્ટ સ્ટાફના સભ્યોને દરેકને રૂ. ૨૫-૨૫ લાખ ઈનામ અપાશે.
ભારતીય ટીમનું ગયાના ખાતેના ભારતીય હાઈકમિશનરે સન્માન કર્યું હતુ. અંડર-૧૯ની વર્લ્ડ ચેમ્પિયન ટીમ વિન્ડિઝથી એમ્સ્ટરડેમ થઈને વાયા બેંગ્લોર અમદાવાદ આવશે. સમારંભમાં હાજર રહેલા વિન્ડિઝના ધુરંધર કર્ટલી એમ્બ્રોસ સાથે ભારતના યુવા ખેલાડીઓએ તસવીરો ખેંચાવી હતી.