જાણીતા પ્રતિષ્ઠિત ઇન્ડિયન અમેરિકન જજ શ્રી શ્રીનિવાસન શક્તિશાળી ફેડરલ સર્કિટ કોર્ટનું નેતૃત્ત્વ કરનાર દક્ષિણ એશિયન મૂળના પ્રથમ વ્યક્તિ બની ગયા છે. અમેરિકાની સર્વોચ્ચ અદાલત પછીની સૌથી મહત્ત્વની આ કોર્ટ છે. 52 વર્ષીય શ્રીનિવાસને ડીસી સર્કિટ માટે યુનાઇટેડ સ્ટેટ્સ કોર્ટ ઓફ અપીલ્સના મુખ્ય ન્યાયમૂર્તિનું પદ સંભાળીને ઇતિહાસ રચ્યો છે. તેમણે 12 ફેબ્રુઆરીએ આ જવાબદારી સંભાળી લીધી છે.
સર્વોચ્ચ અદાલતમાં નિમણૂક માટે પણ તેમના નામ પર વિચાર કરવામાં આવ્યો હતો. શ્રીનિવાસને ન્યાયમૂર્તિ મેરિક ગાર્લેન્ડનું સ્થાન લીધું છે. તેઓ પ્રથમ ઇન્ડિયન અમેરિકન છે, જેમને અમેરિકાની બીજા ક્રમની સૌથી મહત્ત્વ કોર્ટમાં નિમણૂક આપવામાં આવી હોય.
શ્રીનિવાસનનો જન્મ ચંદિગઢમાં થયો હતો અને તેમનો ઉછેર કન્સાસના લોંરેન્સમાં થયો હતો. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી બીએ કર્યું છે. પછી સ્ટેનફોર્ડ લો સ્કૂલ અને સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએનો અભ્યાસ કર્યો છે.
અગાઉ તેમણે અમેરિકાના પ્રિન્સિપાલ ડેપ્યુટી સોલિસિટર જનરલ તરીકે પણ સેવા આપી છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં પણ વિવિધ 25 કેસમાં દલીલ કરી છે. આ ઉપરાંત તેમણે હાર્વર્ડ લો સ્કૂલમાં પણ શિક્ષણ કાર્ય પણ કર્યું છે.