તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ જયલલિતાના જીવન પર બની રહેલી ફિલ્મ ‘થલાઇવી’ તેની શરૂઆતથી જ ચર્ચામાં છે. તેમાં ટાઇટલ રોલ બૉલીવૂડની અભિનેત્રી કંગના રણોટ નિભાવી રહી છે. તે તેની આ ફિલ્મ માટે બહુ ઉત્સાહિત છે. શરૂઆતમાં સેક્સી રોલ કરીને બૉલ્ડ અભિનેત્રીનો ખિતાબ મેળવનારી કંગના હવે એટલા સાફ સુથરા રોલ કરવા માંડી છે કે તેની છબી બદલાઇ રહી છે.
તેની છેલ્લી કેટલીક ફિલ્મો સારી સફળતાને વરી છે અને ‘ઝાંસી કી રાણી’ પરની ફિલ્મ કરીને તે અજય દેવગણ અને અક્ષય કુમારની હરોળમાં આવવા લાગી છે. આ બંને હીરો પણ સંદેશાત્મક અને દેશભક્તિની ફિલ્મો કરેા છે. તેમાં હવે હિરોઇનોમાં કંગનાનો પ્રથમ નંબર છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઇની બહાદુરીને પરદા પર બતાવ્યા પછી હવે તે જયલલિતાના ઉમદા વ્યક્તિત્વને પણ પરદા પર રજૂ કરશે.
આમ, તે ધીરે ધીરે અભિનય સાથે પોતાની છબીને પણ સશક્ત બનાવી રહી છે. તે આ ફિલ્મ દ્વારા જયલલિતાને શ્રદ્ધાંજલિ પણ આપવા માગે છે. કંગના તેની ભૂમિકામાં સંપૂર્ણ જોમ લગાવી રહી છે. સર્જકોને વિશ્ર્વાસ છે કે તે તેના યોગદાનથી ફિલ્મને સર્વશ્રેષ્ઠ બનાવશે. વિજયદ્વારા નિર્દેશિત અને વિષ્ણુ વર્ધન ઇંદુરી અને શૈલેષ આર. સિંહ દ્વારા નિર્મિત ફિલ્મ ‘થલાઇવી’ જૂન, ૨૦૨૦માં તમિલ, હિન્દી અને તેલુગુમાં એકસાથે રિલીઝ થશે.














