બોલિવૂડની સિંગર કનિકા કપૂરનો કોરોનાવાઈરસનો ટેસ્ટ સતત પાંચમી વખત પોઝિટિવ આવ્યો છે. કનિકા અત્યારે લખનૌની સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસમાં દાખલ છે. મંગળવારે તેનો પાંચમો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે ડોક્ટરોનું કહેવું છે કે કનિકાની હાલત એકદમ સ્થિર છે અને ચિંતાનું કોઈ જ કારણ નથી.
ઈન્સ્ટિટ્યુટના ડોક્ટર આર. કે. ધીમાનનું કહેવું છે કે કનિકાની હાલતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે અને એ સમયસર ખાવાનું પણ ખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર કનિકાની બગડતી તબિયતની અફવાઓને પણ ડોક્ટરે રદિયો આપ્યો છે. જોકે જ્યાં સુધી કનિકાના સતત બે કોરોના ટેસ્ટ નેગેટિવ નહીં આવે ત્યાં સુધી તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ નહીં અપાય.
કનિકાએ સોમવારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને પોતાની હેલ્થ વિશે લોકોને માહિતી આપી હતી. તેમાં કનિકાએ લખ્યું હતું કે, ‘મારી ચિંતા કરવા માટે ખૂબ ખૂબ આભાર. પરંતુ હું આઈસીયુમાં નથી. આશા છે કે મારો હવે પછીનો ટેસ્ટ નેગેટિવ આવશે. હું ઘરે જવા, મારાં બાળકોને અને મારા પરિવારને મળવા માટે ઉત્સુક છું. મને એમની બહુ યાદ આવી રહી છે.’ રવિવારે પત્રકારો સાથેની વાતચિતમાં કનિકાના પિતા રાજીવ કપૂરે કહ્યું હતું કે, ‘મારી દીકરી એકદમ ઠીક છે.
છેલ્લા થોડા દિવસથી તેની તબિયત વિશે જે કંઈ સમાચારો ફરી રહ્યા છે તેમાં લેશમાત્ર તથ્ય નથી. અત્યારે તેને કોઈપણ જાતનો પ્રોબ્લેમ નથી. હું સતત તેની સાથે ફોન અને વીડિયો કોલ થકી સંપર્કમાં છું. તેની તબિયત સુધારા પર છે. ’ કનિકા કપૂર કોરોના પોઝિટિવ હોવાને કારણે 22 માર્ચથી આ મેડિકલ ઈન્સ્ટિટ્યુટના આઈસોલેશન વોર્ડમાં દાખલ છે.