શક્તિકાંત દાસની રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ગવર્નર તરીકે ત્રણ વર્ષની મુદત માટે ફરી વરણી કરવામાં આવી છે. (Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

ઘાતકી કોરોના વાઇરસ સામેના જંગમાં આર્થિક પડકારો સામે યુદ્ધ જાહેર કરતાં ભારતીય રિઝર્વ બેન્કે રિટેલ લોનધારકો પર ઇએમઆઇ ચૂકવવાનું દબાણ ઓછું કરતાં શુક્રવારે રેપો વ્યાજદરોમાં ૭૫ બેઝિસ પોઇન્ટ સુધીનો ઘટાડો કરતાં તમામ પ્રકારની ટર્મ લોનના ઇએમઆઇની ચુકવણી ૩ મહિના સુધી મોકૂફ રાખવાની ધિરાણકર્તા સંસ્થાઓને પરવાનગી આપી દીધી છે. તેનો અર્થ એ થયો કે એપ્રિલ મહિનાથી ૩ મહિના સુધી હોમલોન, પર્સનલ લોન, ઓટો લોન સહિતની ટર્મ લોનના ઇએમઆઇ નહીં ચૂકવવા પર કોઈ પ્રકારના દંડાત્મક પગલાં લેવાશે નહીં.

આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, તમામ કોમર્શિયલ બેન્ક, પ્રાદેશિક ગ્રામીણ બેન્ક, નાની ફાઇનાન્સ બેન્ક, સહકારી બેન્ક અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓને ૧ માર્ચ ૨૦૨૦ના રોજ બાકી હોય તેવી તમામ પ્રકારની ટર્મ લોનના ઇએમઆઇની ચુકવણી મોકૂફ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. ઇએમઆઇની ચુકવણી નહીં કરવાથી ક્રેડિટ હિસ્ટ્રી પર કોઈ અસર થશે નહીં. આરબીઆઇએ નાણાં સંસ્થાઓને રિપેમેન્ટ શિડયૂલમાં બદલાવ કરવા અને તે પછીની તમામ તારીખોમાં સુધારા, ટર્મ લોનની મુદતમાં સુધારા કરવાની ૩ મહિના સુધી પરવાનગી આપી છે.

ઇએમઆઇની ચુકવણીના શિડયૂલમાં ફેરફાર થવાને સુપરવાઇઝરી રિપોર્ટિંગ અને ક્રેડિટ ઇન્ફર્મેશન કંપનીઓને થતા રિપોર્ટિંગ માટે ડિફોલ્ટ તરીકે ગણાશે નહીં. આરબીઆઇએ બેન્કોને આગામી ૩ મહિના એટલે કે જૂન ૨૦૨૦ સુધી કંપનીઓ પાસેથી વર્કિંગ કેપિટલ લોન પર વ્યાજની વસૂલાત નહીં કરવાની પરવાનગી આરી છે. કંપનીઓ દ્વારા તેમના રોજિંદા ખર્ચ માટે વર્કિંગ કેપિટલ લોન લેવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ પરના ધિરાણોને ટર્મ લોન નહીં પરંતુ રિવોલ્વિંગ ક્રેડિટ ગણવામાં આવે છે. આરબીઆઇ દ્વારા ફકત ટર્મ લોન માટે જ ઇએમઆઇ મોકૂફ રાખવાની પરવાનગી આપી છે તેથી ક્રેડિટ કાર્ડના પેમેન્ટનો તેમાં સમાવેશ થતો નથી.