અમેરિકી સરકારે કોરોના દરમિયાન ઘરે ફસાયેલા લોકો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. એ પછી અત્યાર સુધીમાં ૬૬.૫ લાખ લોકોએ આ કોરોના બેકારી ભથ્થાં માટે અરજી કરી હતી. અમેરિકા જેવા સમૃદ્ધ દેશમાં ભથ્થાં માટે લાગેલી આ લાઈન બહુ લાંબી કહી શકાય.
કોરોનાને અમેરિકામાં સૌથી મોટા કેલિફોર્નિયા રાજ્ય સહિતના વિસ્તારોમાં લૉકડાઉનની સ્થિતિ છે. પરિણામે ઉદ્યોગ-ધંધા ઠપ્પ થયા છે. તેની અસર અમેરિકામાં હવે દેખાઈ રહી છે. અમુક અમેરિકી આર્થિક નિષ્ણાતોએ જણાવ્યુ હતુ કે અમેરિકાને બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી મંદીનો સામનો કરવાની તૈયારી રાખવી જોઈએ.
અમેરિકામાં કેસની સંખ્યા સવા બે લાખ ઉપર, જ્યારે મૃત્યુ સંખ્યા સવા પાંચ હજાર ઉપર પહોંચી ગયો છે. એકલા ન્યુયોર્ક સિટીમાં ૪૭ હજારથી વધારે દરદી નોંધાયા છે. એ શહેર કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે. ન્યુયોર્કના ગવર્નર એન્ડ્ર્યુએ ભીતી વ્યક્ત કરી હતી કે આવી જ સ્થિતિ રહી તો શહેરમાં ૧૬ હજાર મોત થઈ શકે છે. અત્યારે ન્યુયોર્કમાં દોઢ હજારથી વધુ મોત થયા છે.
એ સ્થિતિમાં અમેરિકી પ્રમુખે ટ્રમ્પે વધુ એક વખત ખાતરી આપી હતી કે વાઈરસને હાંકી કાઢવા માટે જે પગલાં ભરવા પડશે એ તમામ ભરીશું. ટ્રમ્પે ઉમેર્યું હતું કે વાઈરસ સામે લડવા સોશિયલ ડિસ્ટન્સિંગ, બેકારી ભથ્થું, આરોગ્ય સવલત વગેરે મોરચે સરકાર કામ કરે છે અને વાઈરસ નાબુદ નહીં થાય ત્યાં સુધી કરતી રહેશે. અમેરિકાના અમુક રાજ્યોમાં મેડિકલ સામગ્રી ખૂટી પડે એવી સ્થિતિ આવી પહોંચી છે.
કોરોના છે કે નહીં તે જાણવાનો એક માત્ર રસ્તો ટેસ્ટ કરવાનો છે. અને કોરોના રોકવા માટે એ છે કે નહીં એ જાણવુ જરૃરી છે. માટે અમેરિકાએ રોજના ટેસ્ટની સંખ્યા વધારી ૧ લાખ કરી દીધી છે. જે દેશો કોરોના કાબુમાં લઈ શક્યા એ ટેસ્ટિંગને કારણે જ સફળ થયા છે. અમેરિકામાં પણ ટેસ્ટિંગને કારણે વધુ આંકડા બહાર આવી રહ્યા છે.
ઑસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ કોરોનાની બે રસીનું પરીક્ષણ શરૃ કરી દીધું છે. ઑસ્ટ્રેલિયાએ પણ કોરોનાથી બચવા લૉકડાઉન જેવા પગલાં ભર્યા છે. અહીંના વિજ્ઞાનીઓએ કહ્યું હતુ કે અમે જાન્યુઆરીથી જ રસી બનાવાની કામગીરીમાં લાગી ગયા હતા. પરિણામે અમે બે સંભવિત રસી તૈયાર કરી શક્યા છીએ.
હાલ તેનું પરીક્ષણ કરી રહ્યાં છીએ. જોકે ટેસ્ટિંગ પછી પણ રસી ઉપયોગી જણાય તો તેનો વ્યાપક ઉપયોગ થવામાં અમુક મહિનાઓ લાગી શકે છે. વિશ્વની જરૃરિયાત પ્રમાણેનું ઉત્પાદન કરવું એ પણ મોટો પડકાર છે. આ રસી તૈયાર કરવાની પ્રક્રિયા દરમિયાન ઑસ્ટ્રેલિયા જે કંઈ ડેવલપમેન્ટ થાય એ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશનને પણ જણાવી રહ્યું છે.
પરમાણુ પરીક્ષણો માટે જાણીતા દેશ ઉત્તર કોરિયાએ વધુ એક વખત દાવો કર્યો હતો કે તેઓ હજુ સુધી કોરોના મુક્ત છે. આ દેશના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે વાઈરસની વાત જાણી એ સાથે તુરંત અમે ચીન અને દક્ષિણ કોરિયા સાથેની બોર્ડર બંધ કરી દીધી હતી. એ પછી જે લોકો અમારા દેશમાં આવ્યા એ બધાના ટેસ્ટ કરી, જરૃર પડી તેને ક્વૉરન્ટાઈન કર્યા હતા. માટે વાઈરસથી અમે મુક્ત રહ્યા છીએ. ઉત્તર કોરિયા સરમુખત્યારશાહી ધરાવતો દેશ છે, માટે ઘણા નિષ્ણાતોને આ દાવો ખોટો પણ લાગે છે.
ઈઝરાયેલના આરોગ્યમંત્રી યાકોવ પણ કોરોના પોઝિટિવ જણાયા છે. જ્યારે ઈઝરાયેલી જાસૂસી સંસ્થા મોસાદના વડા એકાંતવાસમાં ચાલ્યા ગયા છે. જર્મનીના કેસો પણ ચીનને ઓવરટેક કરી ગયા છે. ચીનમાં ૮૧,૬૦૦ જેટલા કેસ છે, જ્યારે જર્મનીમાં કેસની સંખ્યા ૮૧,૭૦૦ ઉપર પહોંચી છે. એ સાથે જર્મની ચીનને ઓવરટેક કરનારો અમેરિકા, ઈટાલી, સ્પેન પછી ચોથો દેશ બન્યો છે.