વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસના રોગચાળાને કારણે તમામ દેશો સામે ગંભીર પડકાર ઊભા થયા છે. આ પરિસ્થિતિને નાથવા માટે વિક્સિત દેશો પણ નબળા પૂરવાર થઇ રહ્યા છે. આ સંજોગોમાં ભારતે અમેરિકા સહિત મિત્રતાના સંબંધે અન્ય કેટલાક દેશોને આ જીવલેણ વાઇરસ સામે અસરકારક તેવી હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાનો માતબરનો જથ્થો મોકલી આપવા નિર્ણય લીધો છે.
જો કે, ભારતની આ મદદની પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કદર પણ કરી છે. આ કટોકટીના સમયમાં તેની માગ ઉઠતા ભારત સરકારે તેની નિકાસ પર પસંદગીના ધોરણે પ્રતિબંધ હળવો કર્યો છે અને જરૂર મુજબ તે અન્ય દેશોમાં મોકલવામાં આવે છે. ટ્રમ્પે ટ્વીટમાં જણાવ્યું હતું કે, ‘આ અસાધારણ સમયમાં મિત્રો વચ્ચે વધુ સહયોગ સાધવાની જરૂર હોય છે. હાઇડ્રોક્સીક્લોરોક્વીનના નિર્ણય બદલ ભારત અને ભારતવાસીઓનો આભાર, અમે તે ભૂલીશું નહીં.
ફક્ત ભારતને જ નહીં પરંતુ માનવતાને મદદ કરીને મજબૂત નેતૃત્વ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર. બીજી તરફ ટ્રમ્પને વળતા જવાબમાં પીએમ મોદીએ પણ ટ્વીટ કરીને આ કપરા સમયમાં મિત્રો વધુ નિકટ આવતા હોવાનું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘તમારી વાત સાથે હું સંપૂર્ણપણે સહમત છું. આવા સમયમાં મિત્રો નજીક આવતા હોય છે. ભારત-અમેરિકા સંબંધો અગાઉ કરતા વધુ મજબૂત થયા છે.
કોરોના સામે માનવતાની લડાઈમાં માટે ભારત તમામ શક્ય મદદ કરશે. આપણે સહુ આ જંગ સાથે મળીને જીતીશું. જોકે, આ ઘટના ક્રમ પહેલા ટ્રમ્પે ભારત પ્રત્યે આકરું વલણ અપનાવીને ભારત દવાનો પુરવઠો મોકલવા તૈયાર થાય નહીં તો વળતા પગલાં લેવાની વાત કરી હતી. અમેરિકાએ ભારત પાસે આ દવાની મદદ માંગી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે ધમકીની ભાષામાં જણાવ્યું હતું કે, ભારત આ દવા અમને નહીં મોકલે તો વળતા પગલાં લેવાનું વિચારાશે.