અમેરિકન પ્રેસિડેન્ટના ઉચ્ચ વૈજ્ઞાનિક સલાહકારે દાવો કર્યો છે કે, દેશમાં કોરોના વાઇરસથી ચેપગ્રસ્તોમાંથી અડધા લોકોમાં આ રોગના લક્ષણો દેખાશે નહીં.અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઇન્ફેક્શિયસ ડિસીઝના ડાયરેક્ટર અને વાઈટ હાઉસના હેલ્થ એડવાઈઝર એન્થની ફૌસીએ જણાવ્યું હતું કે, આવા લોકોની સંખ્યાં 25થી 50 ટકા છે. આ અંદાજ પરથી એટલું સમજી શકાય કે અમેરિકન સરકારે ગત સપ્તાહે ફેસમાસ્ક અંગે પગલું શા માટે લીધું હશે.

હવે દરેક અમેરિકનને ભલામણ કરવામાં આવે છે કે, સુપરમાર્કેટ જેવા જાહેર સ્થળોએ, સામાજિક અંતર રાખવું મુશ્કેલ હોય ત્યાં કાપડનો ફેસ માસ્ક પહેરવો જોઇએ. જો કે, સંશોધકોમાં હજુ માસ્કની અસરકારકતા અંગે મતમતાંતરો છે. નોર્વિચ મેડિકલ સ્કૂલ અને યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એન્ગલીઆએ વૈજ્ઞાનિક પૂરાવાની સમીક્ષા કરી એવું તારણ કાઢ્યું છે કે, દુકાન જેવા સ્થળોએ જુદા જુદા જુદા સંજોગોમાં તેનાથી ખૂબ ઓછો ફાયદો થશે. આ તારણમાં જણાવાયું છે કે, કોરોના સામે લડવામાં ફેસમાસ્કના વ્યાપક ઉપયોગથી સુરક્ષિત રહેવાય છે તેવા મજબૂત પૂરાવા મળ્યા નથી.

ઘણા વૈજ્ઞાનિકો એ બાબતે પણ સંમત છે કે વિશ્વભરમાં મોટાપાયે કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે, પરંતુ તેના પરિણામ સ્વરૂપે લોકોમાં ખૂબ ઓછા લક્ષણો જોવા મળે છે અથવા તો તે જોવા મળતા જ નથી.જાણીતા દાનવીર બિલ ગેટ્સે ન્યુ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં લખેલા એક આર્ટિકલમાં જણાવ્યું હતું કે, એવા મજબૂત પૂરાવા પણ છે કે, જે લોકો ઓછા બિમાર છે તેમનામાં પણ આ વાઇરસ લાગી શકે છે.

બીજી તરફ સીએનએન દ્વારા આઇસલેન્ડના રીપોર્ટને ટાંકીને જણાવાયું છે કે, ત્યાં કોરોનાના પોઝિટિવ 50 ટકા લોકોએ કહ્યું હતું કે, તેમને પોતાને આ બીમારીના લક્ષણ જણાયા નહોતા. હોંગકોંગમાં એક રીસર્ચ ટીમનું કહેવું છે કે, ચીનમાં 20થી 40 ટકા દર્દીઓમાં આ રોગના લક્ષણ બહાર આવે તે પહેલા તેમના થકી બીજા લોકોમાં તેનો ચેપ ફેલાઇ ગયો હતો. કોરોના વિષેના ખુલ્લા પડેલા આ તથ્યને કારણે વૈજ્ઞાનિકોની ચિંતા વધી છે. લક્ષણો વગરના ચેપગ્રસ્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને કોને માસ્ક પહેરવાનું છે તેમના માટે માર્ગદર્શિકા બદલવામાં આવી રહી છે.