વિશ્વમાં ખ્રિસ્તીઓના તહેવાર ઈસ્ટર પ્રસંગે પોપે પણ કોરોના સામેની લડતમાં લોકોને ઘરોમાં જ રહવેની ભલામણ કરતાં ઈસ્ટરના રવિવારની ઊજવણી ઝાંખી પડી છે. આવા સમયે યુરોપમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક ૭૫,૦૦૦ને પણ વટાવી ગયો છે. અમેરિકામાં પણ વધુ એક દિવસ ૨૪ કલાકમાં ૧૯૦૦થી વધુનાં મોત સાથે કુલ મૃત્યુઆંક ૨૧,૪૦૭ થયો છે. આ સાથે સમગ્ર વિશ્વમાં કોરોનાથી કુલ ૧,૧૧,૭૨૪નાં મોત થયા છે જ્યારે ૧૮,૦૬,૪૪૦ કેસ નોંધાયા છે. જ્યારે ૪,૧૩,૨૨૨ લોકો સાજા થયા છે.
યુરોપમાં સામાન્ય રીતે ઈસ્ટરની ઊજવણીમાં લાખો લોકો ચર્ચમાં પ્રાર્થના કરવા માટે એકત્ર થયા હોય છે ત્યારે હાલ કોવિડ-૧૯ના કારણે પોપે લોકોને ઘરોમાં જ રહેવાની સલાહ આપી હતી. પરિણામે ઈટાલીથી લઈને પનામા અને ફિલિપાઈન્સ સુધી ચર્ચો ખાલી રહ્યા હતા. હાલ લગભગ અડધું વિશ્વ અંદાજે ૪ અબજ લોકો લોકડાઉન છે. કોરોના વાઈરસની સૌથી ગંભીર અસર યુરોપ પર જોવા મળી છે જ્યાં રવિવારે કુલ મૃત્યુઆંક ૭૫,૦૦૦થી વધુ થઈ ગયો હતો. યુરોપમાં કોરોનાથી સૌથી વધુ ઈટાલીમાં ૧૯,૪૬૮, સ્પેનમાં ૧૬,૯૭૨, ફ્રાન્સમાં ૧૩,૮૩૨, બ્રિટનમાં ૧૦,૬૧૨ જ્યારે જર્મનીમાં ૨,૯૦૭ લોકોનાં મોત નીપજ્યાં છે.
બ્રિટનમાં રાહતના સમાચાર એ છે કે વડાપ્રધાન બોરિસ જ્હોનસનને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. કોરોના વાઈરસના સંક્રમણના કારણે જ્હોન્સનને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની સ્થિતિ એટલી ગંભીર હતી કે તેમને આઈસીયુમાં દાખલ કરાયા હતા. તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે, પરંતુ તેઓ તુરંત કામ પર પાછા નહીં ફરે.