ડોમેસ્ટીક એબ્યુઝ પીડિતોને એ યાદ રાખવા વિનંતી કરવામાં આવી છે કે કોવિડ-19 કટોકટી દરમિયાન તેમના અને તેમના બાળકો માટે મદદ ઉપલબ્ધ છે. સરકારના નવા અભિયાન #YouAreNot Aloneમાં આ સંદેશને મહત્વ આપવામાં આવી રહ્યું છે.

પીડિતોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે જો શક્ય હોય તો, તેઓ રોગચાળા દરમિયાન મદદ મેળવવા માટે ઘરેથી બહાર નીકળી શકે છે. ભોગ બનેલા લોકોને જો તાત્કાલિક કોઈ જોખમ લાગે તો તેમને 999 પર કૉલ કરવાની સલાહ આપવામાં આવે છે અને પોલીસ તેમને તાત્કાલિક મદદ કરશે.

પરિવારના કહેવાતા સન્માન આધારિત દુર્વ્યવહાર અને બળજબરીથી કરાતા લગ્નનો ભોગ બનેલા લોકોનું સમર્થન કરતી સંસ્થા કર્મ નિર્વાણના ડિરેક્ટર નતાશા રત્તુએ સ્વીકાર્યું કે આ કપરા સમયમાં ઘણા લોકોને તેમનુ ઘર “સલામત આશ્રયસ્થાન” લાગતુ નહિ હોય. તેણીએ એમ પણ નોંધ્યું છે કે BAME સમુદાયોના કેટલાક પીડિતોને લાગતું હશે કે તેઓ પરિવારને “શરમમાં નાંખી’’ શકે છે. તેણીએ કહ્યું હતું કે “સંસ્કૃતિ એ દુરુપયોગ માટેનું ક્યારેય બહાનું બનવુ જોઇએ નહિ. અમે ઇચ્છીએ છીએ કે પરિવારના સન્માન માટે એબ્યુઝનો ભોગ બનેલા લોકોએ એ જાણવું જોઈએ કે તેમનુ જીવન એબ્યુઝથી મુક્ત રહેવા માટે લાયક છે અને તે માટે સહાય મળે છે. તેથી, જો તમે કોઈની સાથે રહેતા હો જે તમને દુ:ખ પહોંચાડતા હોય, તમને ધમકાવતા હોય કે કંઈ પણ કરતા હોય જેનાથી તમે ડર અનુભવતા હો તો પછી તમારે તાત્કાલિક પગલાં લેવા મહત્વપૂર્ણ છે.”

આ માટે વેબસાઇટ gov.uk/domestic-abuse પર અથવા 24 કલાકની નેશનલ ડોમેસ્ટીક હેલ્પલાઈન 0808 2000 247 પર ફોન કરીને મદદ મેળવી શકો છો.