આયોધ્યામાં થયેલા રામ મંદિર ભૂમિપૂજનની યુ.એસ.માં જાહેર ઉજવણી કરવાના નિર્ણયનો વિરોધ કરતી લગભગ અડધો ડઝન ભારતીય-અમેરિકન સંસ્થાઓ ડઝનથી વધુ સિવિલ સોસાયટીઝ અને કેટલાક ભારતીય અમેરિકન દ્વારા જે તે વિસ્તારના સ્થાનિક મેયર અને અધિકારીઓને ન્યુ યોર્કના ટાઇમ્સ સ્ક્વેર સહિતના સ્થળોએ બિલબોર્ડ નહિં લગાવવા દેવા અરજી કરી હતી. તેઓ માને છે કે “દાયકાના કોમી વિભાજન પછી અજાણતાં હિંસાની ઉજવણી થઇ રહી છે.’’
અમેરિકાના હિન્દુત્વવાદી સંગઠનોએ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન સમારોહની ઉજવણી કરવાના અહેવાલો મળ્યા છે. એક ભારતીય-અમેરિકન સંસ્થાના પ્રમુખ જગદીશ સેહવાણીએ ગયા અઠવાડિયે અમેરિકાના મોટાભાગના મોટા શહેરોમાં રામ મંદિરના ભૂમિપૂજનની જીવંત તસવીરો દર્શાવવા માટે અગ્રણી બિલબોર્ડ્ઝ ભાડે લેવાની યોજના જાહેર કરી હતી. તેમણે વિશ્વના સૌથી મોટા અને સૌથી વધુ રિઝોલ્યુશન ધરાવતા એલઈડી સ્ક્રીન નાસ્ડેક પ્લસ પર પણ તસવીરો લગાવવા યોજના કરી હતી.
કેટલાક અમેરિકન મંદિરોમાં વિશેષ પૂજા થશે અને લોકો ઘરે દીવા પ્રગટાવનાર છે. તો કેટલાક ઉત્સાહીઓ વોશિંગ્ટન – કેપિટોલ હિલ અને વ્હાઇટ હાઉસ નજીકના વિસ્તારોમાં રામ મંદિરની ડિજિટલ તસવીરો સાથેના વિશાળ એલઇડી ડિસ્પ્લે સાથેની ટ્રક ભાડે રાખવાની યોજના ધરાવે છે.
ગ્લોબલ ઈન્ડિયન પ્રોગ્રેસીવ એલાયન્સના ડૉ. મનીષ મદન અને હિન્દુ ફોર હ્યુમન રાઇટ્સના સુનિતા વિશ્વનાથન તેમજ અન્ય લોકો ઉજવણીનો વિરોધ કરે છે.