Getty Images)

લેબેનોનના પાટનગર બેરૂતમાં બે મહાવિસ્ફોટ થયા હતા. એ વિસ્ફોટનું સ્પષ્ટ કારણ જાહેર થયું ન હતું. એમાં અસંખ્ય ઈમારતોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. શરૂઆતના અહેવાલો પ્રમાણે ઓછામાં ઓછા 27નાં મોત થયા છે. જ્યારે 3000થી વધુ લોકો ઘાયલ થતાં દવાખાને ખસેડાયા છે. ઉપરા ઉપરી બે વિસ્ફોટ થતાં પાટનગરના નાગરિકોનો જીવ પડિકે બંધાયો હતો.

વિસ્ફોટની પ્રચંડતાને જોતા મૃત્યુઆંકમાં ઘણો વધારો થવાની ભીતિ છે. હોસ્પિટલો ઈજાગ્રસ્તોથી ઉભરાઈ ગઈ હતી. લેબેનોનની રાજધાની બેરૂતમાં બે વિસ્ફોટ થયા હતા.આ ભયાનક વિસ્ફોટના હૃદયદ્રાવક દૃશ્યો દૂર સુધી જોવા મળ્યા હતા. સવા બસ્સો કિલોમીટર દૂર સુધી આ વિસ્ફોટનો અવાજ સાંભળવા મળ્યો હતો. એક વિસ્ફોટ પોર્ટ વિસ્તારમાં અને બીજો વિસ્ફોટ શહેરમાં થયો હતો. સોશિયલ મીડિયામાં લેબોનમાં થયેલા વિસ્ફોટના વીડિયો વાયરલ થયા હતા.

લેબેનોનના પાટનગર બેરૂતમાં થયેલા વિસ્ફોટ અંગે લોકોએ કહ્યું હતું કે આ બંને ધડાકાથી આખા શહેરની ઈમારતોને ગંભીર નુકસાન થયું છે. સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. શહેરના રસ્તાઓમાં એક જ પળમાં જાણે ધૂળ અને ધુમાડાનું સામ્રાજ્ય ખડું થઈ ગયું હતું. લગભગ 15-15 મિનિટના અંતરે બે વિસ્ફોટ થયા હતા. લેબેનોનના પૂર્વ વડાપ્રધાન રફિક હરારીના ઘરની નજીક એક બ્લાસ્ટ થયો હતો.

રીપોર્ટમાં દાવો થયો હતો કે પોર્ટની નજીક જ્યાં ધમાકો થયો હતો ત્યાં એક વેરહાઉસ પણ છે. રફિક હરારીની 2005માં હત્યા થઈ હતી. એમાં લેબોનોન સંગઠન હિઝબોલ્લાહના ચાર સભ્યો આરોપી હતા. એ મુદ્દે યુએન ટ્રિબ્યૂનલનો ચુકાદો આવવાનો હતો એ પહેલાં આ વિસ્ફોટ થતાં અનેક અટકળો શરૂ થઈ છે.

સિક્યુરિટી ડિરેક્ટર જનરલ મેજર જનરલ અબ્બાસ ઈબ્રાહિમે કહ્યું હતું કે બંદર નજીક વિસ્ફોટ થયો હોવાથી એવી શક્યતા છે કે આસપાસમાં વિસ્ફોટક પદાર્થોના સ્ટોરેજ હોવાથી તેમાં આગ લાગવાના કારણે બ્લાસ્ટ થયો હશે. કસ્ટમ અિધકારીઓને ટાંકીને રજૂ થયેલા અહેવાલમાં કહેવાયું હતું કે નાઈટ્રેટના જથૃથામાં આગ લાગવાથી વિસ્ફોટ થયો હતો.

લેબેનોનના આરોગ્ય મંત્રીને ટાંકીને રજૂ થયેલા અહેવાલો પ્રમાણે અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ પછી તુરંત ઈઝરાયેલ ઉપર આંગળી ચિંધાઈ હતી. એ પછી ઈઝરાયેલના વિદેશ મંત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે આ અકસ્માત હોવાની શક્યતા છે અને આગ લાગવાથી વિસ્ફોટક પદાર્થોના કારણે બ્લાસ્ટ થયો હોવો જોઈએ. જોકે, ઈઝરાયેલના વિદેશ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી તેમાં અમારી કોઈ જ ભૂમિકા નથી.