લેસ્ટરના બેલગ્રેવ સ્થિત મૂર્સ રોડ ખાતે એક મકાનમાં રહેતી 21 વર્ષીય ભાવિની પ્રવિણની ગત તા. 2 માર્ચના સોમવારના રોજ હત્યા કરવાના આરોપી જિગુકુમાર સોરઠીએ તેણીની હત્યા કર્યાનો ઇન્કાર કરી પોતે છરી રાખી ન હોવાનું કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવ્યું હતું.
ગ્રે ટ્રેકસૂટ પહેરીને આવેલા અને લેસ્ટરના ઇસ્ટ પાર્ક રોડ પર રહેતા 24 વર્ષીય જીગુકુમાર શંકરભાઇ સોરઠીએ ઇન્ટરપ્રિટરની મદદથી લેસ્ટર ક્રાઉન કોર્ટમાં પોતાનું નામ જણાવ્યું હતું અને ગુનો કર્યાનો ઇન્કાર કર્યો હતો.
ન્યાયાધીશ ફિલિપ હેડે આ કેસની સુનાવણી સપ્ટેમ્બરની શરૂઆતમાં શરૂ કરવાની જાહેરાત કરી હતી. જીગુએ જામીન માટે કોઈ અરજી કરી નહોતી અને આરોપીને ફરીથી કસ્ટડીમાં મોકલી આપ્યો છે.
કોવિડ -19 ફાટી નીકળ્યા પછી આ અઠવાડિયામાં પહેલી વાર લેસ્ટરમાં સામાજિક અંતરના પગલાં સાથે જ્યુરી ટ્રાયલ્સ ફરી શરૂ થયા છે.