પ્રાઇવેટ કૅરિયર ‘વિસ્તારા’ દ્વિપક્ષી ઍર-બબલ વ્યવસ્થા હેઠળ ભારત અને બ્રિટન, જર્મની તથા ફ્રાન્સ વચ્ચેની ફ્લાઇટની સેવા શરૂ કરશે એવી શક્યતા છે. આ વિશે સંબંધિત દેશો સાથે કરાર થયા છે, એવું રવિવારે ઉડ્ડન ઉદ્યોગના સાધનોએ જણાવ્યું હતું. આ મહિનાની શરૂઆતમાં ભારત અને બ્રિટન વચ્ચે દ્વિપક્ષી કરાર થયા હતા જેમાં એવું નક્કી થયું હતું કે બન્ને દેશની ઍરલાઇનો અમુક નિયંત્રણોને આધીન રહીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો ફરી શરૂ કરી શકશે.
જુલાઈમાં ભારતે આવો જ કરાર જર્મની તથા ફ્રાન્સ સાથે પણ કર્યો હતો. ‘વિસ્તારા’ ઍરલાઇનને શનિવારે બીજું બી૭૮૭-૯ વાઇડ-બૉડી ઍરક્રાફ્ટ મળ્યું હતું. એને પહેલું આવું વિમાન ફેબ્રુઆરીમાં મળ્યું હતું. ઉદ્યોગના એક સૂત્રએ પીટીઆઇને જણાવ્યું હતું કે ‘વિસ્તારા ઍરલાઇનને લંડનમાં હીથ્રો ઍરપોર્ટ ખાતે સ્લૉટ મળી ગયો છે. દિલ્હી અને લંડન વચ્ચેના ઉડ્ડયનો ક્યારે શરૂ થશે એની જાહેરાત થોડા જ દિવસમાં કરવામાં આવશે.
આ ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ ઉડશે.’ વાઇડ-બૉડી ઍરક્રાફ્ટમાં મોટા કદની ફ્યુઅલ ટૅન્ક હોય છે જેને લીધે આ વિમાન લાંબા અંતર સુધીના ઉડાણ ભરી શકે છે. ‘વિસ્તારા’ પાસે ૪૩ વિમાનો છે જેમાંના ૪૧ વિમાન નૅરો-બૉડી ઍરક્રાફ્ટ છે. ‘વિસ્તારા’ દ્વારા ફ્રેન્કફર્ટ અને પૅરિસ સાથે કયા ભારતીય શહેરને જોડવામાં આવશે એ હજી સ્પષ્ટ નથી.














