લેન્કશાયરના દરીયામાં તણાયેલા વેસ્ટ યોર્કશાયરના ડ્યુસબરીમાં રહેતા બે ભાઇઓ 18 વર્ષીય મુહમ્મદ અઝહર શબ્બીર અને 16 વર્ષીય અલી આહર શબ્બીરના શબ શોધખોળ દરમિયાન મળી આવ્યા હતા. માનવામાં આવે છે કે બન્ને કિશોરો શનિવારે લિથામ સેન્ટ એન્સમાં સમુદ્રમાં ગયા મુશ્કેલીમાં મુકાયા હતા.
વ્યાપક શોધખોળ અને બચાવ કામગીરી પછી તેમના શબ પિયરથી લગભગ એક માઇલ દૂર મળી આવ્યા હતા. બંનેના મૃતદેહોની ઔપચારિક ઓળખ હજુ બાકી છે પરંતુ પોલીસનું માનવું છે કે તે બંને ભાઈઓના જ દેહ છે.
તેમનો 15 વર્ષીય પિતરાઇ ભાઇ તરીને કિનારે પરત ફરવામાં સફળ થયો હતો અને તેને હોસ્પિટલમાં હાયપોથર્મિયાની સારવાર આપવામાં આવી હતી. તેઓ ડે ટ્રીપ માટે ગયા હતા અને દરિયામાં તણાઇ ગયા હતા.
લિથામ અને ફ્લીટવુડની કોસ્ટગાર્ડ બચાવ ટીમો અને કેર્નારફોનથી કોસ્ટગાર્ડના સર્ચ એન્ડ રેસ્ક્યુ હેલિકોપ્ટર આ શોધમાં જોડાયા હતા. તેમની સાથે લિથામ સેન્ટ એન્સ અને બ્લેકપૂલની RNLI લાઇફબોટ, સાઉથપોર્ટ લાઇફબોટ, લેન્કેશાયર પોલીસ અને નોર્થ વેસ્ટ એમ્બ્યુલન્સ સેવા જોડાયા હતા.