શેરના ભાવમાં વધારાને કારણે ટેસ્લા મોટર્સના સીઈઓ અને ટેકનોક્રેટ એલન મસ્કની સંપત્તિ એક જ દિવસમાં 7.8 અબજ ડૉલર (582 અબજ રૂપિયા) વધી હતી. પરિણામે મસ્કની કુલ સંપત્તિ હવે 84.8 અબજ ડૉલર થઈ છે અને તેઓ જગતના ચોથા નંબરના ધનપતિ બન્યા છે. અમેરિકી શેરબજારમાં સોમવારે ટેસ્લા મોટર્સના શેરમાં 11.2 ટકાનો જંગી ઊછાળો નોંધાયો હતો. સંપત્તિમાં વધારાને કારણે ચોથા નંબરના ધનપતિ બર્નાર્ડ અર્નોલ્ટને તેમણે પાછળ ધકેલી દીધા હતા. બે વર્ષ પહેલા જ મસ્કની વિવાદાસ્પદ ટ્વીટ્સ બદલ અમેરિકી સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડે નોટિસ ફટકારી હતી. પરંતુ તેના બે જ વર્ષમાં ઈલોન અમેરિકા સહિત આખી દુનિયાના ધૂરંધર ઉદ્યોગપતિ બની ચૂક્યા છે. અનેક કંપનીઓ ધરાવતા ઈલોનની ટેસ્લા મોટર્સના શેર આ વર્ષે કુલ 339 ટકા વધ્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે એક જ વર્ષમાં મસ્કની સંપત્તિમાં 57.2 અબજ ડૉલરનો વધારો થયો છે. એટલે કે આજે જે સંપત્તિ છે, તેમાંથી મોટા ભાગની તો છેલ્લા વર્ષ-બે વર્ષમાં મેળવી છે.