બીજેપી નેતા ગોરધન ઝડફિયાની હત્યા માટે મુંબઈથી આવેલા એક શાર્પ શૂટરની ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. આ પહેલા શાર્પ શૂટરે ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચની ટીમ પર ફાયરિંગ કર્યું હતું. ગુજરાતમાં મોટા કાંડને અંજામ આપવા માટે શાર્પ શૂટર આવ્યો હોવા અંગે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને માહિતી મળ્યા બાદ મંગળવારે મોડી રાત્રે ટીમ અમદાવાદની રિલિફ રોડ પર આવેલી હોટલ ખાતે દરોડા કરવા માટે પહોંચી હતી.

આ દરમિયાન આ ફાયરિંગ થયું હતું. નોંધનીય છે કે બીજેપી નેતા હાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. બીજેપીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ આજથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે ત્યારે તેઓ તેમની સાથે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. આ મામલે ગોરધન ઝડફિયાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેએઓ જણાવ્યું હતું કે, મને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ફોન કરીને એવી માહિતી આપી છે કે એક શાર્પ શૂટર પકડાયો છે. જે મારી હત્યા કરવા માંગતો હતો. થોડા સમય પહેલા નવસારીમાં મારી રેકી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે ગૃહ વિભાગ જે કામ કરવાનું હશે તે કરશે. સરકાર મને જે સુરક્ષા આપશે તેનાથી હું ખુશ છું.

ગોરધન ઝડફિયાને ભૂતકાળમાં ઝેડ કક્ષાની સુરક્ષા હતી. જોકે, બાદમાં તેમની સુરક્ષા ઘટાડી દેવામાં આવી હતી. હાલ તેઓને વાય કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. શાર્પ શૂટરની ધરપકડ બાદ તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તાબડતોડ તેમની સુરક્ષા વધારી દેવાનો આદેશ કર્યો છે.

ગુજરાતમાં ગોધરાકાંડ બાદ હિંસા ફાટી નીકળી ત્યારે બીજેપી નેતા ગોરધન ઝડફિયા ગૃહ રાજ્યમંત્રી હતા. આ કારણે તેમને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હોઈ શકે છે. ગુજરાતમાં કોમી તોફાનો બાદ તેઓ આતંકવાદીઓના પણ નિશાને હતા. હવે જ્યારે 18 વર્ષ પછી આવી ઘટના બની છે ત્યારે ચોક્કસ આ મામલે તપાસ થવી જોઈએ.

તેઓ વીએચપીના ફાયરબ્રાન્ડ નેતા પણ રહી ચુક્યા છે. આ ઉપરાંત આરએસએસ સાથે પણ તેઓ વર્ષો સુધી જોડાયેલા રહ્યા છે.મળતી માહિતી પ્રમાણે અમદાવાદના રિલિફ રોડ ખાતે આવેલી વિનસ હોટલ ખાતે શાર્પ શૂટર રોકાયો હતો. આ દરમિયાન એટીએસ અને ક્રાઇમને એવી બાતમી મળી હતી કે મુંબઈનો એક શાર્પ શૂટર વિનસ હોટલમાં રોકાયો છે. આ વ્યક્તિ ગુજરાતમાં કોઈ મોટી હત્યાને અંજામ આપવા માટે આવ્યો છે. જે બાદમાં ટીમ દરોડો કરવા માટે હોટલ પહોંચી હતી.

જોકે, શાર્પ શૂટરને પોલીસ આવ્યાની જાણ થઈ જતાં તેણે ફાયરિંગ કરી દીધું હતું. જોક, સદનસિબે કોઈને ઈજા પહોંચી ન હતી અને ટીમે ફાયરિંગ કરનાર વ્યક્તિની અટકાયત કરી લીધી હતી. જે બાદમાં તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી છે કે આ શાર્પ શૂટર મુંબઈનો રહેવાસી છે. તેના તાર પાકિસ્તાનની ગેંગ સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

વ્યક્તિ શા માટે અમદાવાદ આવ્યો હતો? તેને કોના તરફથી સોપારી આપવામાં આવી હતી? ગુજરાતમાં કયા રાજકીય નેતા કે અધિકારી તેના નિશાના પર હતા વગેરેની માહિતી પોલીસે મેળવી હતી. સમગ્ર ઘટના પર ખુદ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા નજર રાખી રહ્યા છે. આરોપી જ્યાંતી પકડાયો છે તે હોટલ વિનસ કારંજ પોલીસ સ્ટેશનના પાછળના ભાગે આવેલી છે.