ચીનના પાટનગર બૈજિંગમાં કોરોનાના ચેપના દરમાં મોટાપાયે ઘટાડો નોંધાતા લોકોને માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. બૈજિંગમાં 13 દિવસ સુધી ચેપનો એક પણ કેસ નહીં નોંધાતા આરોગ્ય અધિકારીઓએ વાઇરસ માટેના નિયમોમાં છૂટછાટો આપી છે. જો કે, આ છૂટછાટો આપવા છતાં હજુ પણ મોટી સંખ્યામાં લોકો માસ્ક પહેરી રહ્યા છે.
કેટલાક લોકોએ કહ્યું કે, માસ્ક પહેરીને તેઓ સુરક્ષા અનુભવી રહ્યા છે, જ્યારે અન્ય કેટલાક લોકોએ કહ્યું કે, માસ્ક પહેરવાનું સામાજિક દબાણ પણ છે. એપ્રિલમાં બૈજિંગ મ્યુનિસિપલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, માસ્ક વગર કોઇએ બહાર નીકળવું નહીં. જુનમાં રોગચાળો ફરીથી ફેલાતા વધુ એકવાર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવાયું હતું.
બૈજિંગની રહેવાસી એક યુવતીએ જણાવ્યું હતું કે, મને એવું લાગે છે કે, હું કોઇપણ સમયે માસ્ક હટાવી શકું છું, પરંતુ મારે એ પણ જોવાનું છે કે માસ્ક વગર મને જોઇને લોકો ડરી શકે છે. બૈજિંગના આરોગ્ય અધિકારીઓએ બીજીવાર નિયમોમાં છૂટછાટો આપી છે. ત્યાં પાંચ દિવસથી સ્થાનિક ચેપના કેસ નોંધાયા નથી. શિનજિયાંગ સહિત ઘણી જગ્યાઓએ હવે સ્થિતિ કાબૂમાં છે. નિષ્ણાતોનું માનવું છે કે, બીમારી નિયંત્રણમાં લેવા દેશમાં કડક નિયમોનું પાલન કરાવાતા આ સફળતા મળી છે.