કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીથી 2021 સુધીમાં આશરે 47 મિલિયન મહિલાઓ અને યુવતીઓ દારુણ ગરીબીમાં ધકેલાઈ જશે અને તેનાથી મહિલાઓને ગરીબી રેખાથી ઉપર લાવવાના દાયકાઓના પ્રયાસો પર પાણી ફરી વળશે, એમ યુનાઇટેડ નેશન્સ (યુએન)એ જારી કરેલા તાજેતરના ડેટામાં જણાવાયું છે.

યુએન વિકાસ પ્રોગ્રામ (UNDP)ના નવા વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે કોરોનાથી મહિલાઓના ગરીબી દરમાં નાટકીય વધારો થશે તથા પુરુષ અને સ્ત્રી વચ્ચેની આર્થિક અસમાનતા વધુ મોટી થશે. 2019થી 2021 દરમિયાન મહિલાના ગરીબીદરમાં 2.7 ટકા ઘટાડો થવાનો અંદાજ હતો, પરંતુ કોરોના અને તેની આર્થિક અસરને કારણે તેમાં 9.1 ટકાનો વધારો થવાની ધારણા છે.

યુએન એજન્સીએ જણાવ્યું હતું કે મહામારીથી 2021 સુધીમાં 96 મિલિયન લોકો દારૂણ ગરીબીમાં ધકેલાશે, જેમાં 47 મિલિયન મહિલાઓ અને યુવતીઓનો સમાવેશ થાય છે. તેનાથી દારુણ ગરીબીમાં જીવી મહિલા અને યુવતીની સંખ્યા વધીને 435 મિલિયન થશે. આ લોકો 2030 સુધીમાં ગરીબીમાંથી બહાર નહીં આવી શકે તેવો અંદાજ છે.

કોરોનાથી વૈશ્વિક ગરીબીને અસર થશે, પરંતુ સ્ત્રીઓને તેની વધુ અસર થશે. 2021 સુધીમાં ગરીબીમાં જીવતા 25થી 34 વર્ષના દરેક 100 પુરુષ સામે આવી મહિલાની સંખ્યા 118 હશે. આ તફાવત 2030 સુધીમાં વધીને દરેક 100 પુરુષ સામે 121 મહિલાનો થવાની ધારણા છે.

યુએનના જણાવ્યા અનુસાર મહામારીથી તમામ પ્રદેશોના ગરીબીના દરને અસર થશે. મધ્ય અને દક્ષિણ એશિયા તથા આફ્રિકામાં ગરીબીમાં સૌથી વધુ વધારો થશે. આ વિસ્તારોમાં ગરીબોની સંખ્યામાં અનુક્રમે 54 મિલિયન અને 24 મિલિયનનો વધારો થશે.