ચૂંટણી
(Photo by Michael M. Santiago/Getty Images)

ઇન્ડિયન-અમેરિકન જોહરાન મમદાનીએ ન્યૂયોર્ક સિટીના મેયર માટે મંગળવાર, 4 નવેમ્બરે યોજનારી ચૂંટણીમાં લીડ મેળવી હતી. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર મામદાની ભૂતપૂર્વ ગવર્નર અને જાતીય હુમલાના આરોપી એન્ડ્રુ કુઓમોથી આગળ હતાં. કુઓમા મામદાની સામે પોતાની પાર્ટીની પ્રાથમિક ચૂંટણી હાર્યા બાદ અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર કર્ટિસ સ્લિવા ત્રીજા સ્થાને હતાં.

23થી 27 ઓક્ટોબર દરમિયાન હાથ ધરાયેલા ક્વિનિપિયાક યુનિવર્સિટીના પોલમાં મામદાનીને 43 ટકા મત મળ્યા હતાં, જ્યારે કુઓમોને 33 ટકા અને સ્લિવાને 14 ટકા મત મળ્યાં હતાં. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રબળ દાવેદાર ઝોહરાન મમદાનીને સામ્યવાદી ગણાવ્યા હતાં. આ ચૂંટણી જીવનનિર્વાહના ખર્ચ, ગુના અને દરેક ઉમેદવાર ટ્રમ્પનો સામનો કેવી રીતે કરશે તેના પર કેન્દ્રિત છે. ટ્રમ્પે શહેર માટે ફેડરલ ભંડોળ રોકવાની ધમકી આપી છે.

કોલંબિયા યુનિવર્સિટીના રાજકારણના પ્રોફેસર લિંકન મિશેલે જણાવ્યું હતું કે મામદાની એક અસામાન્ય રાજકીય વ્યક્તિત્વ છે અને ખરેખર આ ક્ષણની ભાવનાને પકડી લે છે. ન્યૂ યોર્કના મેયર માટે એક મુસ્લિમ ઉમેદવાર એક મોટી કહાની છે.

NYC બોર્ડ ઓફ ઇલેક્શનના ડેટા દર્શાવે છે કે 2 નવેમ્બરના રોજ પૂરા થતા પ્રારંભિક મતદાનના પહેલા પાંચ દિવસમાં 275,006 રજિસ્ટર્ડ ડેમોક્રેટ્સે મતદાન કર્યું હતું. આ ઉપરાંત 46,115 રિપબ્લિકનને મતદાન કર્યું હતું. કોઇપણ પક્ષ સાથે ન જોડાયેલા 42,383 મતદારોએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્માતા મીરા નાયર અને ભારતીય વંશના યુગાન્ડાના લેખક મહમૂદ મમદાનીના પુત્ર મમદાનીને ડેમોક્રેટિક પ્રાયમરી રેસમાં ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્ર્યુ કુઓમોને હરાવીને અભૂતપૂર્વ વિજય મેળવ્યો હતો.
મમદાનીનો જન્મ 18 ઓક્ટોબર, 1991ના રોજ યુગાન્ડાના કંપાલામાં થયો હતો અને તેમનો ઉછેર ન્યુ યોર્ક શહેરમાં થયો હતો. તેઓ સાત વર્ષના હતાં ત્યારે તેમના માતાપિતા સાથે ન્યુ યોર્ક આવ્યાં હતાં. તેમની માતા મીરા નાયર ‘મોન્સૂન વેડિંગ’ અને ‘સલામ બોમ્બે!’ જેવી ફિલ્મો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ મમદાનીએ બ્રુકલિન સ્થિત આર્ટિસ્ટ રામા દુવાજી સાથે લગ્ન કર્યા છે.

મમદાનીએ સરકાર માલિકીની કરિયાણાની દુકાનો, સાર્વત્રિક બાળ સંભાળ અને અન્ય બોલ્ડ દરખાસ્તો દ્વારા જીવનનિર્વાહના ખર્ચમાં ઘટાડો કરવાની યોજના ધરાવે છે. શહેરની આવક વધારવા માટે તે કોર્પોરેટ ટેક્સ રેટને વધારીને 11.5 ટકા કરવા માગે છે. તેઓ ન્યૂયોર્કના સૌથી ધનિકો પર પણ ટેક્સ લાદવાની યોજના ધરાવે છે.

LEAVE A REPLY