કોરોનાવાઇરસના રોગચાળામાં તેની રસી ઉપલબ્ધ થયા પછી યુનિસેફ ઓછી આવક ધરાવતા – ગરીબ દેશો માટે તેની ખરીદી કરશે અને તેને જેતે દેશોમાં પહોંચાડવાની જવાબદારી સંભાળશે. યુનિસેફ વિશ્વની સૌથી મોટી અને એકમાત્ર રસી ખરીદનાર સંસ્થા છે જે, વર્ષે 100 દેશો તરફથી નિયમિત રસીકરણ અને ચેપ ફેલાતો રોકવા માટે બે બિલિયનથી વધુ રસીની ખરીદી કરે છે.
યુનિસેફ, રીવોલ્વિંગ ફંડ ઓફ ધ પેન અમેરિકા હેલ્થ ઓર્ગેનાઇઝેશન (પીએએચઓ)ના સહયોગથી કોવિડ-19 રસીની ખરીદી અને પૂરવઠો કોવેક્સ ગ્લોબલ વેક્સિન ફેસિલિટી તરફથી ઓછી અને ઓછી મધ્યમ આવક ધરાવતા 92 દેશોમાં પહોંચાડશે. યુનિસેફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ સંસ્થા વધુ આવક ધરાવતા 80 દેશોની ખરીદીના સમર્થન આપવા માટે ખરીદ સંયોજક તરીકે પણ કામ કરશે. આ દેશોએ કોવેક્સ ફેસિલિટીમાં ભાગ લેવાનો ઇરાદો જાહેર કર્યો છે અને તે તમામ પોતાના બજેટમાંથી રસીની વ્યવસ્થા કરશે.
રસીની ખરીદી અને વિતરણ માટે 170થી વધુ દેશ પ્રયાસ કરી રહ્યા છે. અને તે પોતાની રીતે વિશ્વનું સૌથી મોટું અને ઝડપી અભિયાન બની શકે છે. યુનિસેફનાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હેનરિટ્ટા ફોર એ જણાવ્યું હતું કે, આ વિવિધ સરકાર, ઉત્પાદકો અને બહુપક્ષીય સહયોગીઓ વચ્ચે ભાગીદારી દ્વારા કોવિડ-19 મહામારી વિરુદ્ધ મોટી લડાઇ યથાવત રાખવાનો એક ભાગ છે.
યુનિસેફ આ પ્રયાસ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO), ગેવી ધ વેક્સિન અલાયન્સ, કોએલિશન ફોર એપિડેમિક પ્રીપેર્ડનેસ ઇનોવેશન્સ (CEPI), PAHO, ધ વર્લ્ડ બેન્ક, બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન તથા અન્ય સહયોગીઓ સાથે કરશે. કોવેક્સ ફેસિલિટીનો લાભ વિશ્વના તમામ દેશો લઇ શકે છે, જેથી તે ખાતરી કરી શકાય કે ભવિષ્યમાં કોઇ પણ દેશ કોવિડ-19ની રસી મેળવવા બાબતે વંચિત ન રહે.