લૌરેન કોડલિંગ દ્વારા
એશિયન હેલ્થકેર કર્મચારીઓએ કોવિડ-19 રોગચાળા દરમિયાન ખૂબ જ તણાવ અને થાક સહન કર્યા હોવાનું જાહેર કર્યું છે. આ કટોકટી દરમિયાન શ્યામ, એશિયન અને અન્ય એથનિક માઇનોરિટી BAME વર્કફોર્સ માનસિક આરોગ્યની વધતી સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે એવા ડેટા બહાર આવ્યા છે.
ગરવી ગુજરાત સાથેની મુલાકાતોની શ્રેણીમાં, સંખ્યાબંધ ડોકટરોએ BAME સાથીદારોને વાયરસના આઘાતમાંથી પસાર થતા જોયા હોવાનું જણાવ્યું હતું; એક વ્યક્તિએ તો હેલ્થકેર સેવા સંપૂર્ણ રીતે છોડી દેવાની ઇચ્છા દર્શાવી હતી.
ગયા મહિને બ્રિટીશ મેડિકલ એસોસિએશન (બીએમએ)ના સર્વેક્ષણમાં 35 ટકા BAME ડોકટરોએ જણાવ્યું હતું કે તેઓ રોગચાળા દરમિયાન અગાઉની તુલનામાં માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધી હોવાનો અનુભવ કર્યો હતો.
બીએમએ કાઉન્સિલના અધ્યક્ષ ડૉ. ચંદ નાગપૌલે ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’કટોકટીએ નિ:શંકપણે એથનિક એનએચએસ સ્ટાફની માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી પર પકડ જમાવી છે. ખાસ કરીને BAME ડોકટરોએ તેમના મિત્રો, પરિવારજનો અને સમાન પૃષ્ઠભૂમિના સહકાર્યકરોને અસાધારણ રીતે આ ભયંકર વાયરસથી પીડાતા જોયા છે. કામ પર તેમણે પી.પી.ઇ. વગર દર્દીઓને જોવાનો અને સપોર્ટ વીનાના દબાણનો અનુભવ કર્યો છે. એનએચએસ અને સરકારની ફરજ છે કે તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેને સુરક્ષિત રાખવા તેમની સંભાળ રાખે.”
ડેટાએ સતત કોવિડ-19ને લગતા મૃત્યુની અપ્રમાણસર સંખ્યા બતાવી છે જે રોગચાળા દરમ્યાન BAME સ્ટાફને અસર કરે છે.
ઓગસ્ટમાં એનએચએસ કન્ફેડરેશનના હેલ્થ એન્ડ કેર વિમેન્સ લીડર નેટવર્ક દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં BAME બેકગ્રાઉન્ડના હેલ્થ કેર કર્મચારીઓને વાયરસના અપ્રમાણસર અસરથી “આઘાત” અનુભવે છે તેમ જણાવાયું હતું.
બ્રિટીશ ઇન્ડિયન સાઇકિયાટ્રિક એસોસિએશનના પ્રમુખ અને લિંકનશાયર પાર્ટનરશીપ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટના મેડિકલ ડિરેક્ટર ડૉ. અનંતા દવેએ કટોકટી દરમિયાન પોતાના અને તેના BAME સાથીઓ માટે “ચિંતા કરવાની એક મોટી ભાવના” અંગે જણાવ્યું હતું કે ‘‘મારો એક સાથી રોગચાળા દરમિયાન વાયરસના કારણે અવસાન પામ્યો હતો. જ્યારે તમે તમારી પૃષ્ઠભૂમિના લોકોને પ્રભાવિત થતા જોશો, ત્યારે તેની ચોક્કસપણે અસર પડે છે. તમે નબળાઈ, ડર, અન્યાયની ભાવના અને ભાવનાત્મક ભાર અનુભવો છો, તેનો અર્થ એ છે કે તે તમારી પૃષ્ઠભૂમિના લોકોને અસર કરે છે અને તમને પણ જોખમની લાઇનમાં મૂકે છે. ચેપમાં તાજેતરમાં થયેલા વધારા અને એનએચએસ સ્ટાફની સુખાકારી પર તેના પ્રભાવની સંભવિત અસર વિશે મને ચિંતા છે. તેમણે બેકલોગના સ્તર પર પ્રકાશ પાડ્યો હતો, જે લોકડાઉન દરમિયાન થયો હતો જ્યારે કટોકટીના કારણે અનેક કામગીરી અને નિમણૂકોમાં વિલંબ થયો હતો.”
વેસ્ટ મિડલેન્ડ્સના જી.પી. ડૉ. સમારા અફઝલ પણ સંમત થયા હતા કે અપ્રમાણસર અસર “તેની ચિંતાનું કારણ” હતી. દુર્ભાગ્યે તેમણે એનએચએસ નર્સ તરીકે કામ કરતો કૌટુંબિક મિત્ર ગુમાવ્યો છે. ઘણાં જી.પી., નર્સો અને ડોકટરોનું મોત નિહાળ્યું છે અને તેનાથી ઘણાં લોકો ખૂબ જ ચિંતિત છે.”
બીએમએના સંશોધન બતાવે છે કે શ્વેત ડોકટરો કરતાં વંશીય લઘુમતી ડોકટરોને બુલીઇંગ અને પજવણી કરવામાં આવી છે, અને ડૉ. નાગપૌલે સમજાવ્યું હતું કે શા માટે ઘણા બીએએમએ હેલ્થકેર કર્મચારીઓ તેમની ચિંતાઓ અંગે વાત કરતા નથી.
ડૉ. દવેએ આ વર્ષની શરૂઆતમાં રોયલ કોલેજ ઑફ સાઇકિયાટ્રિસ્ટ્સ માટે સંશોધન કરી BAME સ્ટાફ પર અપ્રમાણસર અસરનું વિશ્લેષણ કર્યું હતું. તેમણે વંશીય લઘુમતી સ્ટાફના સભ્યોની “ઘણી કષ્ટદાયક કથાઓ” સાંભળી હતી, જેઓ સલામતીને લગતી ચિંતાઓ પર બોલતા ડરતા હતા. જે અગાઉના અનુભવોને આભારી હતા જ્યારે તેમની પજવણી કે બુલીઇંગ કરવામાં આવ્યું હતું અથવા તેમની વાતને ગંભીરતાથી લેવામાં આવી નહોતી તેમ ડો. દવેએ જણાવ્યું હતું.
આ મહિનાની શરૂઆતમાં, ડૉક્ટર એસોસિએશન દ્વારા કરવામાં આવેલા એક મતદાનમાં એક હજારથી વધુ ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તેઓ એનએચએસ છોડવાનો વિચાર કરી રહ્યા છે. સર્વેક્ષણમાં 45 ટકા લોકોએ તેમના માનસિક સ્વાસ્થ્ય પર રોગચાળાની અસરને દોષી ઠેરવી છે.
રેડિંગ સ્થિત ડૉ. અભય ખાતુન કામના ભારને લીધે એનએચએસ છોડવાનો વિચાર કરે છે અને કહ્યું હતું કે ‘’રોગચાળો આખરી ફટકો હતો. માર્ગદર્શિકા પર સ્પષ્ટ સંદેશ ન હોવાને કારણે પરિસ્થિતિમાં મદદ મળી શકી નહીં.”
નોર્થ માન્ચેસ્ટર જનરલ હોસ્પિટલના સલાહકાર મનોચિકિત્સક અને બ્રિટીશ એસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઓફ ઇન્ડીયન રીજીનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. જે.એસ. બામરાહે જણાવ્યું હતું કે ‘’એન.એચ.એસ. ના ઘણા વરિષ્ઠ ડોકટરોએ મને કહ્યું છે કે તેઓ નોકરી છોડી દેવા માગે છે.
નોકરીના તાણ તેમજ વંશીય લઘુમતી કર્મચારીઓની વધેલી નબળાઈ તે માટે આભારી છે. મૃત્યુ પામેલા 90 ટકા ડોકટરો BAME મૂળના છે તેથી કલ્પના કરો કે તમે કામ પર જશો અને જાણે છો કે તમે સંવેદનશીલ લોકોના ચોક્કસ જૂથમાં છો અને હોસ્પિટલ ટ્રસ્ટ અને પ્રેક્ટિસ દ્વારા જોખમનું મૂલ્યાંકન કરવામાં આવતું નથી. તેઓ તેમના પોતાના પરિવાર વિશે પણ ચિંતિત છે.”
ડૉ. બામરાહે કહ્યું હતું કે ઘણા સાથીદારોએ થાક, ઉંઘની ખલેલ અને અસ્વસ્થતા સહન કરી હતી.
કોવેન્ટ્રીમાં એનએચએસ મેન્ટલ હેલ્થ ટ્રસ્ટના અધ્યક્ષ જગતાર સિંહે ગરવી ગુજરાત સમક્ષ જણાવ્યું હતું કે, “રોગચાળા દરમિયાન અમારા કર્મચારીઓએ મોટી અસર અનુભવી છે – ખાસ કરીને BAME સ્ટાફ, કારણ કે તેઓ વધુ સંવેદનશીલ છે. ટ્રસ્ટે પહેલનો પ્રારંભ કરી ‘સેલ્ફ હેલ્પ’ એપ્લિકેશન શરૂ કરી છે જે માઇન્ડફુલનેસ સેશન્સ પ્રોત્સાહિત કરે છે અને સાપ્તાહિક ‘સ્ટાફ કન્વર્ઝેશનનું આયોજન કરે છે. જ્યાં વ્યક્તિઓ તેમની ચિંતા જણાવી શકે છે.’’
ડૉ. બામરાહે બાપિયો દ્વારા એનએચએસ સ્ટાફને આપવામાં આવતી સ્વૈચ્છિક માર્ગદર્શક સહાય અંગે પ્રકાશ પાડ્યો હતો.
* માહિતી આપનારની સુરક્ષા માટે નામ બદલવામાં આવ્યા છે.