કોરોનાવાયરસના બીજા તરંગનો ભય સર્વત્ર ફેલાયેલો છે ત્યારે માર્ચ માસની જેમ ટોયલેટ રોલ, પાસ્તા, હેન્ડ સેનિટાઇઝર, હેન્ડ વોશ અને ટીન ફૂડના પેનીક બાઇંગનું પુનરાવર્તન ન થાય અને સુપરમાર્કેટની શેલ્ફ્સ ખાલી ન થાય તે માટે મોરિસન્સે ચીજવસ્તુઓના શોપીંગ પર રેશનિંગ મૂક્યું છે અને આમ કરનાર તે પ્રથમ કંપની બની છે. મોરિસન્સે લોકો ફરી સ્ટોક પાઇલીંગ કરશે તેવી શક્યતાના જવાબમાં આ પગલા લીધા છે. આવશ્યક ચીજોને ફરીથી સ્થાપિત કરનારી પહેલી મોટી સુપરમાર્કેટ બની છે.
સુપરમાર્કેટ ચેઇન મોરીસન્સે ગુરૂવારે તા. 25ના રોજ જણાવ્યું હતું કે, દરેક ચીજ-વસ્તુ લોકો માટે ઉપલબ્ધ બની રહે તેની ખાતરી કરવા માટે મોટાભાગની ક્લીનીંગ પ્રોડક્ટ્સ, કિચન રોલ, કાલ્પોલની ખરીદી પર ત્રણ નંગની મર્યાદા નક્કી કરી હતી. આ ઉપરાંત તેની વર્લ્ડ ફૂડ આઇલમાંના લોટ, ચોખા અને તેલના વેચાણને પણ મર્યાદિત કરી રહ્યું છે, જે મોટા કદના પેકમાં આવે છે.
યુકેમાં કોવિડ-19 બીજા તરંગના ભયે ગત સપ્તાહે ટોઇલેટ રોલ્સના વેચાણમાં 23 ટકાનો વધારો થયો છે. ગ્રાહકો ટીન ફૂડ, પાસ્તા અને પેઇન કીલર ટેબ્લેટ્સની ખરીદી પણ કરી રહ્યા છે.
મોરિસન્સના પ્રવક્તાએ કહ્યું હતું કે “આ તમામ ઉત્પાદનોના અમારા સ્ટોકનું સ્તર સારૂ છે પરંતુ અમે તે દરેક માટે ઉપલબ્ધ રહે તેમ માંગીએ છીએ.” બુધવારે, ટેસ્કો અને અલ્ડીના વડાઓએ લોકોને પેનીક બાઇંગનું પુનરાવર્તન અટકાવવા માંગ કરી હતી.
ટેસ્કોએ કોઇ પ્રતિબંધો લાદ્યા નથી, પરંતુ ઑનલાઇન ગ્રાહકોને ફેસ માસ્ક, ઇંડા, લોટ અને એન્ટિ-બેક્ટેરિયલ ઉત્પાદનો વ્યક્તિ દીઠ ત્રણની માત્રામાં જ વેચવામાં આવે છે. જો કે ટેસ્કોએ કહ્યું છે કે તે હાલમાં કોઈપણ ઉત્પાદનની તંગીનો અનુભવ કરતું નથી.