કોરોનાવાયરસના કારણે આવી રહેલી મંદીને જોતાં અને શહેરની અર્થવ્યવસ્થા અટકી જતા પાટનગર લંડનના વધુને વધુ લોકો રોજગારીની શોધમાં રાજધાનીની બહાર જઇ રહ્યા છે એમ યુકેની સૌથી મોટી જોબ રીક્રુટમેન્ટ સાઇટ્સ ‘ઇન્ડીડ’ દ્વારા જણાવવામાં આવ્યું છે. જેનાથી રહેવાસીઓના સ્થળાંતરની સંભાવના વધી છે.

લાખો જોબ એડવર્ટ્સ અને નોકરીની શોધના આંકડા દર્શાવે છે કે તા. 18 સપ્ટેમ્બરના રોજ, લંડનમાં જાહેરાત કરાયેલ નોકરીની પોસ્ટ્સની સંખ્યા 2019ની સમાન તારીખની સરખામણીમાં 55% ઓછી હતી. આ તીવ્ર ઘટાડો, બંધ ઑફિસો અને હોસ્પિટાલીટી સેવાઓની શહેરના જોબ માર્કેટ પર પડેલી અસર દર્શાવે છે. બિઝનેસીસ અને ટુરીસ્ટ વિસ્તારોમાં ઘણી રેસ્ટોરન્ટ્સ, હોટલ અને દુકાનો બંધ રહે છે અથવા ઓછી ક્ષમતાએ કાર્યરત છે.

લંડનમાં રહેતા વધુ જોબસીકર્સ હવે બીજે ક્યાંક કામ શોધી રહ્યા છે. ઑગસ્ટમાં, લંડનની બહાર નોકરી શોધનારા લોકોની સંખ્યા વર્ષે 27% અને વર્ષના પ્રારંભની તુલનામાં 30% વધારી હતી. સૌથી પ્રખ્યાત સ્થળોમાં એસેક્સ ટોચ પર છે અને તે પછી કેન્ટ અને સરે આવે છે. ટોચની પાંચ નોકરીઓમાં ક્લીનર, કસ્ટમર સર્વિસ રીપ્રેઝન્ટેટીવ, વેરહાઉસ કામદાર, રીટેઇલ આસીસ્ટન્ટ અને સેલ્સ આસીસ્ટન્ટની જોબ છે જે રોલ સામાન્ય રીતે ઓછા વેતનવાળા હતા.

લંડનના ઉંચા ભાડા અને મકાનોના ભાવોનો અર્થ એ છે કે લોકો સેન્ટ્રલ લંડનના બદલે ઘણા લોકો ઘરની નજીકના બરોમાં કામ શોધી રહ્યા છે.