ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપનો ભોગ બનેલી 19 વર્ષની દલિત યુવતીએ મંગળવારે દિલ્હીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ડોક્ટરોના અથાક પ્રયાસો પણ પીડિતાને બચાવી શક્યા નહોતા. આ યુવતી પર 14મી સપ્ટેમ્બરે પર ગેંગરેપ થયો હતો અને સારવાર માટે ઉત્તરપ્રદેશની અલીગઢ ખાતેના હોસ્પિટલમાંથી દિલ્હી લાવવામાં આવી હતી.
આ યુવતી પોતાના ભાઇ અને માતા સાથે ઉત્તરપ્રદેશના હાથરસના ચંદપા ગામના એક ખેતરમાં ઘાસચારો લઇ રહી હતી. તે સમયે ગામના ચાર ઠાકુર યુવાનોએ આ યુવતીને જુવારના ખેતરમાં લઇ જઇને ગેંગરેપ કર્યો હતો. પોતે ઓળખાઇ ન જાય એવા હેતુથી તેમણે આ યુવતીની જીભ કાપી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. થોડા દિવસ બેભાન રહ્યા પછી આ યુવતી ભાનમાં આવી ત્યારે એણે પોતાની દુર્દશા કુટુંબીજનોને જણાવી હતી. હાથરસના એએસપી પ્રકાશ કુમારે કહ્યું કે ચારેય આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી.