ચૂંટણી પંચે ગુજરાત સહિતના 10 રાજ્યોમાં વિધાનસભાની 54 બેઠકોની પેટા ચૂંટણીની તારીખો મંગળવારે જાહેર કરી હતી..આ બેઠકો પર 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આ ઉપરાંત સાત નવેમ્બરે બિહારની લોકસભાની એક બેઠક અને મણીપુરની વિધાનસભાની બે બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. પેટાચૂંટણી યોજાશે તેવા રાજ્યમાં છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ઓડિશા, તેલંગણા અને ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે.

આ 54 બેઠકોમાં ગુજરાતની 8 બેઠકનો સમાવેશ થાય છે, જ્યારે મધ્યપ્રદેશની 27 બેઠકો માટે પેટાચૂંટણી થશે.મધ્યપ્રદેશની વિધાનસભાની પેટાચૂંટણી મહત્ત્વની બની રહેશે, કારણ કે જ્યોતિરાદિત્ય સિંઘિયા તેમના વફાદારો સાથે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
ગુજરાતની અબડાસા, લિમડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠકો પર 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે. જોકે ચૂંટણી પંચે આસામ, તમિલાનાડુ, કેરળ અને પશ્ચિમ બંગાળની સાત બેઠકો માટે હાલમાં પેટા ચૂંટણી કરાવવાની ના પાડી દીધી છે.આ રાજ્યોમાંથી ચૂંટણી પંચને એવા અહેવાલ મળ્યા છે કે, અહીંયા ચૂંટણી કરાવવી મુશ્કેલ છે. આ બેઠકો પર બાદમાં નિર્ણય લેવામાં આવશે.આ માટે જે તે રાજ્ય સરકાર સાથે વાત કરવામાં આવશે. 11 રાજ્યોમાં થનારી પેટા ચૂંટણીમાં સૌથી વધારે 27 બેઠકો મધ્યપ્રદેશમાં છે અને બીજા ક્રમે ગુજરાતની આઠ બેઠકો છે. આમ તારીખો જાહેર થતા જ ગુજરાતના રાજકારણમાં ચૂંટણીનો ગરમાવો આગામી દિવસોમાં જોવા મળશે.