અભિનેત્રી પાયલ ઘોષે દાખલ કરેલા બળાત્કાર કેસના સંદર્ભમાં મુંબઈ પોલીસે ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપને સમન્સ જારી કર્યું છે. નવ દિવસ પહેલા તેમની સામે દાખલ થયેલા કેસમાં વધુ તપાસ માટે ગુરુવારે મુંબઈના વરસોવા પોલિસી સ્ટેશને હાજર રહેવાનો અનુરામ કશ્યપને આદેશ કરવામાં આવ્યો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ, સમન્સમાં તેમને પોલીસની પરવાનગી વગર મુંબઈ ન છોડવા માટે કહેવામાં આવ્યું છે. રેપના આરોપોને અનુરાગ કશ્યપે તેના વકીલ મારફત નિવેદન જારી કરાવી સંપૂર્ણ રીતે નકારી દીધા છે અને તેને પાયાવગરના ગણાવ્યા હતા.
આ પહેલાં એક્ટ્રેસે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની મુલાકાત લઈને અનુરાગ કશ્યપથી તેના જીવને જોખમ હોવાની વાત જણાવી હતી. રાજભવન બહાર આવીને એક્ટ્રેસે કહ્યું હતું કે રેપનો આરોપી જાહેરમાં ફરી રહ્યો છે, માટે તેને સુરક્ષા આપવામાં આવે.’ રાજભવનમાં એક્ટ્રેસ સાથે રાજકારણી રામદાસ આઠવલે અને તેમની પાર્ટીના અમુક કાર્યકર્તા પણ હાજર હતા. એક્ટ્રેસે કહ્યું હતું કે જો કશ્યપને ટૂંક સમયમાં અરેસ્ટ કરવામાં ન આવ્યો તો તે ભૂખહડતાલ પર બેસી જશે.
દક્ષિણ ભારતની ફિલ્મોમાં કામ કરી ચૂકેલી એક્ટ્રેસે અનુરાગ કશ્યપ વિરુદ્ધ 22 સપ્ટેમ્બરે મુંબઈના વિક્રોલી પોલીસ સ્ટેશનમાં રેપનો કેસ ફાઈલ કરાવ્યો. એક્ટ્રેસનો આરોપ છે કે કશ્યપે 2013માં વર્સોવામાં યારી રોડના એક લોકેશન પર રેપ કર્યો હતો. અનુરાગ વિરુદ્ધ દુષ્કર્મ, ખરાબ વર્તન, ખોટા હેતુથી રોકવાનો અને મહિલાનું અપમાન કરવાની ધારાઓ હેઠળ કેસ ફાઈલ થયો છે.