કોરોનાની મહામારીને પગલે તહેવારોની સિઝન માટે ગુજરાત રાજ્ય સરકારે શુક્રવારે માર્ગદર્શિકા જારી કરી છે, જે અનુસાર રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી કે મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય.
કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે નવરાત્રીના ગરબા, દશેરા, બેસતા વર્ષ સહિતના તહેવારોની ઉજવણી સંદર્ભે માર્ગદર્શિકા જાહેર કરી છે, જેનો અમલ 16 ઓક્ટોબરથી કરવાનો રહેશે. દુર્ગાપૂજા, દશેરા, દિવાળી, બેસતા વર્ષ-નૂતન વર્ષના સ્નેહમિલન, ભાઈબીજ-શરદપૂર્ણિમા જેવા ઉત્સવો-પૂજા ઘરમાં રહીને પરિવારના સભ્યો સાથે કરવા સલાહભર્યું છે.
સરકારની ગાઇડલાઇન મુજબ આગામી તહેવારોની જાહેરમાં ઉજવણી માટે સ્થાનિક વહીવટીતંત્રની પૂર્વમંજૂરી આવશ્યક છે. મેળા, રેલી, પ્રદર્શનો, રાવણદહન, રામલીલા, શોભાયાત્રા જેવા સામૂહિક કાર્યક્રમો કે જ્યાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થતા હોય એના પર પ્રતિબંધ રહેશે. આ સૂચનાઓનો ભંગ થવાના કિસ્સામાં સંબંધિત સ્થળ-સંચાલક, આયોજક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ કાર્યક્રમો દરમિયાન તબીબી સુવિધાઓ ત્વરાએ ઉપલબ્ધ થાય એનો જરૂરી પ્રબંધ પણ કરવાનો રહેશે.