ભારતમાં આશરે ત્રણ મહિના પછી છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા કેસની સંખ્યા 40,000થી નીચી રહી છે, જ્યારે મૃત્યુઆંક પણ 500થી નીચે રહ્યો છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મંગળવાર સવાર આઠ વાગ્યા સુધીના ડેટા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 36,470 નવા કેસ સાથે ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યા વધીને આશરે 79.46 લાખ થઈ છે, જ્યારે 488 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને આશરે 1.19 લાખ થયો છે. દેશમાં અત્યાર સુધી આશરે 72.01 લાખ લોકો કોરોનામાંથી રિકવર થયા છે, તેનાથી રાષ્ટ્રીય રિકવરી રેટ 90.62 ટકા રહ્યો છે. મૃત્યુદર પણ ઘટીને 1.50 ટકા થયો છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સતત પાંચમાં દિવસે સાત લાખથી નીચી રહી છે, જે કુલ કેસના 7.88ટકા છે.
ભારતમાં કોરોના કેસની સંખ્યા 7 ઓગસ્ટે 20 લાખ અને 23 ઓગસ્ટે 30 લાખને વટાવી ગઈ હતી. પાંચ સપ્ટેમ્બરે આ સંખ્યા વધીને 40 લાખ થઈ હતી અને 16 સપ્ટેમ્બરે 50 લાખનો આંક પાર થયો હતો.