પક્ષ છોડી અન્ય પક્ષમાંથી પેટાચૂંટણી લડનારા ધારાસભ્યો પાસેથી ચૂંટણી ખર્ચ વસૂલવાની માગણી કરતી જાહેર હિતની રિટ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. હાઇકોર્ટના એડવોકેટ ખેમચંદ કોષ્ટિએ 27 ઓક્ટોબરે કરેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ કોંગ્રેસના 15 ધારાસભ્યો પક્ષ છોડી ભાજપમાં ગયા છે અને તેઓ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા, જેમાંથી કેટલાંક ફરી ચૂંટાયા પણ હતા.
એક વિધાનસભા બેઠક પર ચૂંટણી માટે પંચને એકથી બે કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. અંગત સ્વાર્થી માટે પ્રજાના નાણાનો વ્યય કરનારા ધારાસભ્યો પાસેથી ખર્ચની વસૂલાત કરવા ચૂંટણી પંચે તેની સત્તાનો ઉપયોગ કરવી જોઇએ. રિટની વધુ સુનાવણી 29મી ઓક્ટોબરના રોજ હાથ ધરવામાં આવશે.
અરજદારની રજૂઆત છે કે ડિસેમ્બર-2017માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં 182 બેઠકો પૈકી વર્તમાન શાસપ પક્ષ ભાજપને 99 બેઠકો મળી હતી અને કોંગ્રેસ(ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ)ને 77 બેઠકો મળી હતી.
ચૂંટણીના પરિણામો બાદ અત્યાર સુધીમાં કોંગ્રેસના 15 ધારાસભ્યો અંગત કારણો આપી ધારાસભ્યપદેથી અને પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. ત્યારબાદ આ ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા અને પેટાચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર તરીકે લડયા હતા, જેમાં ઘણાં ધારાસભ્યો પુન: ચૂંટાયા હતા.