પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ફેસબુક ઈન્ડિયાના પબ્લિક પોલિસીનાં વડા આંખી દાસે કંપનીમાંથી 27 ઓક્ટોબરે રાજીનામું આપ્યું હતું. આંખી દાસ લગભગ નવ વર્ષથી ફેસબુક સાથે જોડાયેલાં હતાં. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નફરત ફેલાવતી ટીપ્પણીઓને અટકાવવાના મુદ્દે ભાજપની તરફેણ કરવાનો તેમના પર આક્ષેપ મૂકાયો હતો.

ફેસબુક ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અજિત મોહને જણાવ્યું હતું કે આંખી દાસે ફેસબુકમાં તેમના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. તેમણે જાહેર સેવામાં પોતાના રસ મુજબ કામ કરવા માટે આ પગલું ઉઠાવ્યું છે. તેઓ છેલ્લા નવ વર્ષ કરતાં વધુ સમયથી સેવા આપી રહ્યાં હતાં.

આંખી દાસ પર ભાજપ અને અન્ય જમણેરી સંગઠનોના નફરત ફેલાવતા નિવેદનો પર પ્રતિબંધ મૂકવાના ફેસબૂકના નિયમોનો અમલ કરવાનો કથિત વિરોધ કરવાનો આક્ષેપ હતો.

અમેરિકનના વર્તમાનપત્ર વોશિંગ્ટન પોસ્ટે આ બાબત ખુલ્લી પાડયાના લગભગ અઢી મહિના પછી આંખી દાસે રાજીનામુ આપ્યું છે. વિવિધ માનવ અધિકાર સંગઠનો અને ઈન્ટરનેટ પર નજર રાખતા સંગઠનોએ ફેસબુકને તેના ભારતીય એકમના સંચાલનનું ઓડિટ કામ પૂરૂં ન થાય ત્યાં સુધી આંખી દાસને રજા પર મોકલી દેવા સૂચન કર્યું હતું.