ફ્રાન્સના પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોને શનિવારે જણાવ્યું હતું કે મહંમદ પયંગબર સાહેબના કાર્ટૂનથી આઘાત લાગ્યો હોય તેવા મુસ્લિમોનું તેઓ સન્માન કરે છે, પરંતુ તે હિંસા માટેનું કારણ નથી.
ફ્રાન્સના પ્રેસિડન્ટના સામે વિશ્વભરના મુસ્લિમ દેશોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે ત્યારે તેમણે અરેબિન ટીવી નેટવર્ક અલ જઝીરાને ઇન્ટરવ્યૂ આપ્યું હતું. મેક્રોને અગાઉ જણાવ્યું હતું કે તેઓ હિંસાને પગલે પાછી પાની કરશે નહીં અને કાર્ટૂનના પ્રકાશન સહિતના અભિવ્યક્તિના હકનું રક્ષણ કરશે.
મેક્રોનને ભારપૂર્વક જણાવ્યું હતું કે આનો અર્થ એવો નથી કે તેમણે કે તેમના અધિકારીઓ કાર્ટૂનનું સમર્થન કરે છે કે ફ્રાન્સ કોઇપણ રીતે મુસ્લિમ વિરોધી દેશ છે.
તેમણે જણાવ્યું હતું કે હું સમજું છે અને સન્માન કરુ છું કે આવા કાર્ટૂનથી લોકોને આઘાત લાગી શકે છે, પરંતુ હું તે ક્યારેય ન સ્વીકારી શકું કે આ કાર્ટૂનને કારણે હિંસાને વાજબી ઠેરવી શકાય નહીં. હું મારા દેશમાં મુક્ત અભિવ્યક્તિની હકનું હંમેશા રક્ષણ કરીશ.
ગુરુવારે ફ્રાન્સના ચર્ચ પર થયેલા હુમલામાં ત્રણ વ્યક્તિની હત્યા થઈ હતી. હુમલાખોર અલ્લાહુ અકબર બોલતો હતો. હુમલાખોરે એક મહિલાનું ગળું કાપી નાંખ્યું હતું. ફ્રાન્સમાં એક સપ્તાહમાં બીજો ત્રાસવાદી હુમલો થયો હતો. મેક્રોનને ધાર્મિક સ્થળો અને સ્કૂલો જેવા મહત્ત્વના સ્થળોની સુરક્ષામાં વધારો કર્યો છે.