વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામની પૂર્વસંધ્યાએ સોમવારે ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા હતા તથા જિલ્લા અને શહેરના પ્રમુખોના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. આ જાહેરાતમાં અનેક નવા ચહેરાને સ્થાન મળ્યું છે.
અમદાવાદ જિલ્લાના પ્રમુખ તરીકે હર્ષદગીરી ગોસાઇની વરણી કરવામાં આવી છે. જ્યારે સુરત શહેરના પ્રમુખ તરીકે નિરંજનભાઇ ઝાંઝમેરા અને સુરત જિલ્લાના પ્રમુખ તરીકે સંદિપ દેસાઇની પસંદગી કરાઇ છે.
વડોદરા શહેરના પ્રમુખ તરીકે વિજયભાઇ શાહ અને વડોદરા જિલ્લાના પ્રમુખ તરીકે અશ્વિન પટેલની વરણી કરાઇ છે. ગાંધીનગર શહેરના પ્રમુખ તરીકે રૂચિરભાઇ ભટ્ટની નિયુક્તિ કરાઇ છે. રાજકોટ શહેરના પ્રમુખ તરીકે કમલેશ મિરાણી યથાવત્ રાખવામા આવ્યા છે. રાજકોટ જિલ્લાની જવાબદારી મનસુખ ખાચરિયાને સોંપાઇ છે.
જામનગર શહેરના પ્રમુખ તરીકે વિમલ કગથરા અને જિલ્લા પ્રમુખ તરીકે રમેશ મુંગરાની વરણી કરાઇ છે. જૂનાગઢ શહેરના પ્રમુખ તરીકે પુનિત શર્મા અને જૂનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે કિરીટભાઇ પટેલની પસંદગી કરાઇ છે.ભાવનગર શહેરની જવાબદારી રાજીવ પંડ્યાને તો ભાવનગર જિલ્લાની જવાબદારી મુકેશભાઇ લાંગળિયાને સોંપાઇ છે. બીજી તરફ પોરબંદરના પ્રમુખ તરીકે કિરીટ મોઢવાડિયા, મહેસાણામાં જશુભાઇ પટેલ, પાટણમાં દશરથજી ઠાકોર, બનાસકાંઠામાં ગુમાનસિંહ ચૌહાણ, કચ્છમાં કેશુભાઇ પટેલ તેમજ દેવભૂમિ દ્વારકામાં ખીમભાઇ જોગલની વરણી કરાઇ છે.
અબડાસા, મોરબી, ધારી, ગઢડા, લીંમડી, કરજણ, કપરાડા અને ડાંગ આઠ વિધાનસભા બેઠકો પર 3જી નવેમ્બરે પેટા ચૂંટણીઓ યોજાઈ હતી. 10 ઓક્ટોબરે તેના રિઝલ્ટની જાહેરાત થશે.