કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દિવાળીની વર્ચુઅલ ઉજવણીમાં સામેલ થયા હતા અને લોકોને દિવાળીની શુભકામના પાઠવી હતી. તેમણે પાર્લામેન્ટ હિલમાં તેમની ઓફિસમાંથી દિવાળીના દીપ પ્રગટાવ્યા હતા.
ટ્રુડોએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દિવાળી આપણને યાદ અપાવે છે કે સત્ય, પ્રકાશ અને ભલાઇનો હંમેશા વિજય થાય છે. આ આશાવાદી સંદેશ અને દિપાવલીની ઉજવણી કરવા હું સાંજે વર્ચ્યુઅલ ઉજવણીમાં સામેલ થયો હતો. તમામ લોકોને દિવાળીની શુભકામના.
કેનેડાના હાઉસ ઓફ કોમન્સના વિપક્ષના નેતા સહિતના કેનેડાના સંખ્યાબંધ અગ્રણી રાજકીય નેતાઓ પણ ઉજવણીમાં સામેલ થયા હતા.
કેનેડામાં સત્તાના કેન્દ્ર ગણાતા પાર્લામેન્ટ હિલમાં 20 વર્ષથી દિવાળીની ઉજવણી થાય છે. સ્વર્ગસ્થ સાંસદ દીપક ઓભરાઇએ સૌ પ્રથમ આ વાર્ષિક ઉજવણીનો પ્રારંભ કર્યો હતો.
2020ની દિવાળીની ઉજવણીના કાર્યક્રમમાં કેનેડાના ઇતિહાસમાં પ્રથમ હિન્દુ કેબિનેટ પ્રધાન અનિતા આનંદ, ઓન્ટારિયોના કિચેનેર શહેરના સાંસદ રાજ સૈની અને ટોરોન્ટના સ્કારબોરોના ગેરી આનંદસાન્ગેરી પણ સામેલ થયા હતા. આ કાર્યક્રમનું આયોજન દીપક ઓભરાઇ ફાઉન્ડેશન અને કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશનના સહયોગમાં બ્રિટીશ કોલંમ્બિયા સાંસદ ટોડ ડોહર્ટીએ કર્યું હતું.