વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વાઇરસની સ્થિતિની ચર્ચા કરવા આઠ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે મંગળવારે ઓનલાઇન મીટિંગ કરી હતી. વડાપ્રધાને આ બેઠકમાં ટેસ્ટમાં વધારો કરવો, પોઝિટિવિટી રેટ અને મૃત્યુદરમાં ઘટાડો કરવા, વેક્સિનેશન માટે જિલ્લા સ્તરે ટાસ્ટ ફોર્સ બનાવવા અને રસીકરણ માટેની વ્યૂહરચના ઘડી કાઢવા રાજ્યોને મુખ્યપ્રધાનોને સૂચના આપી હતી.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વેક્સિન માટે કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી તૈયાર છે અને આરોગ્ય કાર્યકરોને તાલિમ આપવામાં આવી રહી છે. વેક્સિન મળશે ત્યારે રાજ્યોને તેનું વિતરણ કરવામાં આવશે. લોકોએ કોરોના ગાઇડલાઇનની પાલન કરવું જોઇએ. વેક્સિનની સ્થિતિ અને ડિસ્ટ્રિબ્યુશનને લઈને જે ચર્ચા થઈ છે એમાં અમે સિસ્ટમ મુજબ આગળ વધીશું. વેક્સિનના કેટલા ડોઝ હશે, કિંમત કેટલી હશે, તે હજુ નક્કી નથી.
ટેસ્ટમાં વધારો કરો
RT-PCR ટેસ્ટમાં વધારો કરવાનું સૂચન કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે મુખ્યપ્રધાનોએ મૃત્યુદરને એક ટકાથી નીચો લાવવાનો પ્રયાસ કરવો જોઇએ. વેક્સિન અંગે સારી કામગીરી ચાલી રહી છે, પરંતુ આપણે સાવચેત રહેવું જોઇએ અને સંક્રમણમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવો જોઇએ. આપણે પોઝિટિવિટી રેટ 5 ટકાથી નીચો લાવવો પડશે.
વેક્સિન માટે જિલ્લા સ્તરે ટાસ્ટ ફોર્સ
વેકિસન અંગે મોદીએ જણાવ્યું હતું કે અમે વેક્સિન ડેવલપર્સ અને ઉત્પાદકો સાથે સંપર્કમાં છીએ. અમે વૈશ્વિક નિયમનકારો અને સરકારો સાથે પણ વિચારવિમર્શ કરી રહ્યાં છીએ. સરકાર વેક્સિનની દરેક ગતિવિધિ પર નજર રાખી રહી છે. રાજ્યોએ કોવિડ વેક્સિન પ્રોગ્રામની તૈયારી કરવા માટે જિલ્લા કે બ્લોક લેવલે ટાસ્ટ ફોર્સ કે કમિટીની રચના કરવી જોઇએ. રાજ્યો સાથે સહકાર સાધીને વેક્સિન વિતરણની વ્યૂહરચના ઘડવામાં આવશે. રાજ્યોએ કોલ્ડ સ્ટોરેજ ફેસિલિટી માટે પ્રયાસ કરવા પડશે.
160 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ
મેડિકલ ઇક્વિપમેન્ટ અંગે મોદીએ જણાવ્યું હતું કે દેશમાં 160 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી ચાલુ છે. સરકાર ઓક્સિજન અને વેન્ટિલેટર્સ પર ફોકસ કરી રહી છે. અમે ઓક્સિન જનરેશન માટે મેડિકલ કોલેજ અને જિલ્લા હોસ્પિટલ્સને આત્મનિર્ભર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
વેકિસન માટે આરોગ્ય કાર્યકરોને પ્રાથમિકતા
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાને સ્પષ્ટ કર્યું છે કે પ્રથમ તબક્કામાં કોરોનાની વેક્સિન ફ્રન્ટલાઇન હેલ્થ વર્કર્સને આપવામાં આવશે. બીજા તબક્કામાં પોલીસ જવાનો અને સેનિટાઇઝેશન વર્કર્સ વગેરેને આવરી લેવામાં આવશે. ત્રીજા તબક્કામાં 50 વર્ષથી મોટી ઉંમરના લોકો અને ચોથ તબક્કામાં વિવિધ બિમારી ધરાવતા લોકોને વેક્સિન આપવામાં આવશે.
કેજરીવાલે 1,000 આઇસીયુ બેડની માગણી કરી
વડાપ્રધાન સાથેની બેઠકમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરની ઊંચી તીવ્રતા માટે ઘણા પરિબળો જવાબદાર છે અને તેમાં પ્રદૂષણ મુખ્ય છે. દિલ્હીમાં 10 નવેમ્બરે સૌથી વધુ 8,600 કેસ નોંધાયાા હતા તથા તે પછી કેસની સંખ્યા અને પોઝિટિવિટી રેટમાં ઘટાડો થઈ રહ્યો છે. આ બેઠકમાં કેજરીવાલે કેન્દ્ર સરકાર પાસે વધારાના 1,000 આઇસીયુ બેડની માગણી કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે પ્રથમ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી, હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અને છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેન બધેલ સામેલ થયા હતા.