હવામાન ખાતાએ જારી કરેલી આ સેટેલાઇટ ઇમેગ મંગળવારની છે અને તેમાં બંગાળની ખાડીમાં હવાનું દબાણ દેખાય છે. આ દબાણ હવે સાઇક્લોનમાં પરિવર્તિત થયું છે. (PTI Photo)

બંગાળની ખાડીમાંથી શરૂ થયેલું ચક્રવાતી વાવાઝોડું નિવાર બુધવાર બપોરથી સાંજ સુધીમાં તામિલનાડુ અને પુડુચેરી દરિયા કિનારે ત્રાટકે તેવી શક્યતા છે. તેનાથી ભારે વરસાદ અને 100થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે આ વાવાઝોડું જોખમી સાઈક્લોનમાં રૂપાંતરિત થવાનો અંદાજ લગાવ્યો છે. નિવાર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તામિલનાડુ અને પોંડીચેરીના મુખ્યપ્રધાનો સાથે ચર્ચા કરી હતી. મોદીએ બંને મુખ્યપ્રધાનોને શક્ય તમામ મદદ કરવાનો વિશ્વાસ આપ્યો હતો.

વાવાઝોડું આવે તે પહેલાં જ તમિલનાડુ અને પોંડીચેરીના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. હવામાન વિભાગે બુધવારે ઘણી જગ્યાએ ભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી છે.

વિનાશક તોફાન ‘નિવાર’ને લીધે બંગાળની ખાડીની દક્ષિણ-પૂર્વ દિશાએ તામિલનાડુ અને પુડુચેરી દરિયાકાંઠા નજીક કોસ્ટગાર્ડનાં 8 શિપ અને 2 એરક્રાફ્ટ તહેનાત કરાયાં છે. એના દ્વારા મર્ચન્ટ શિપ અને માછલી પકડનારી બોટને તોફાનની ચેતવણી અપાઈ રહી છે. એનડીઆરએફની ટીમો લોકોને ખરાબ હવામાનથી બચવાના ઉપાયો પણ જણાવી રહી છે.

વાવાઝોડાનો સામનો કરવા તામિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં કોસ્ટ ગાર્ડની 12 ટીમે તહેનાત કરાઈ છે. આ રાજ્યોમાં 18 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.તોફાનને કારણે તામિલનાડુ, પુડુચેરીની સાથે આંધ્રપ્રદેશ અને તેલંગણામાં પણ ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે આ માટે ચેતવણી જારી કરી છે. 24, 25 અને 26 નવેમ્બરે અહીં વરસાદનું અનુમાન છે.