ભારતમાં ચાલુ નાણા વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ સીઘું વિદેશી રોકાણ (એફડીઆઈ) વધીને 28.1 બિલિયન ડોલર થયું હતું. ગયા નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એફડીઆઇ પ્રવાહ 14.06 બિલિયન ડોલર રહ્યો હતો.
ઈક્વિટીમાં 23.44 બિલિયન ડોલર રોકાણ થયુ હતું. કુલ એફડીઆઈમાંથી 35 ટકા રોકાણ સાથે ગુજરાત એફડીઆઈ રોકાણ માટે સૌથી આકર્ષક રાજ્ય રહ્યું હતું. મહારાષ્ટ્રમાં 20 ટકા, કર્ણાટકમાં 15 ટકા અને દિલ્હીમાં 12 ટકા એફડીઆઈ રોકાણ નોંધાયુ હતું. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં એફડીઆઇ 30 ટકા વધીને 30 અબજ ડોલર થયું હતું.
મંગળવારે ડીપીઆઈઆઈટી દ્રારા જારી આંકડાઓ અનુસાર એફડીઆઈ રોકાણ પ્રવાહમાં સૌથી વધુ રોકાણ મોરિશિયસ મારફત આવ્યું હતું અને તેનો ફાળો 29 ટકા રહ્યો હતો.અને સિંગાપોરમાંથી 21 ટકા રોકાણ નોંધાયુ હતું.
ફાઈનાન્સિયલ, બેન્કિંગ, ઈન્સ્યોરન્સ, આઉટસોર્સિંગ, આર એન્ડ ડી સહિત અન્ય સેક્ટરમાંથી 17 ટકા એફડીઆઈ રોકાણ નોંધાયુ હતું. કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ સોફ્ટવેર સેગમેન્ટમાં 12 ટકા અને ટેલિકોમ સેક્ટરમાં 7 ટકા એફડીઆઈ રોકાણ થયુ હતું.
કોરોના મહામારીના દોરમાં લિક્વિડિટીમાં સુધારો કરવા અનેક પગલાંઓ લેવાતા વિશ્વભરમાં વિદેશી રોકાણ પ્રવાહ વધ્યો છે. કેન્દ્રીય વેપાર પ્રધાન પીયૂષ ગોયલે ટ્વીટ કરી જણાવ્યુ હતું કે, કોવિડ હોવા છતાં દેશમાં એફડીઆઈ રોકાણ વાર્ષિક ધોરણે બમણુ થયુ છે. જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં એફડીઆઈ રોકાણ 14.6 અબજ ડોલરથી વધી 28.1 અબજ ડોલર થયુ હતું. કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ, કોલ માઈનિંગ, ડિફેન્સ સહિતના અનેક સેક્ટર્સમાં એફડીઆઈ અંગે ઉદારનીતિ અપનાવવાથી રોકાણમાં સતત વૃદ્ધિ થવાનો આશાવાદ વ્યક્ત થઈ રહ્યો છે.