અમેરિકામાં વિદાય લઇ રહેલા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થક મનાતા એક ટોળાએ કેપિટલ હિલમાં ધસી જઇને સેનેટ કબજે કરવાના પ્રયાસ કર્યા હતા. હિંસા ફાટી નીકળી હતી. તેના પગલે સોશિયલ મીડિયા પર ટ્રમ્પના તમામ એકાઉન્ટ બ્લોક કરી દેવાયા હતા.
ટ્વીટર તેમજ ફેસબુકે ટ્રમ્પના એકાઉન્ટ બ્લોક કર્યા હતા. ટ્વીટરે ચેતવણી આપી કે જો હવે ટ્રમ્પે ભવિષ્યમાં નિયમો તોડ્યા તો તેમનું એકાઉન્ટ હંમેશા માટે બંધ કરી દેવામાં આવશે.
બીજી તરફ ટ્વીટરે સંસદ બિલ્ડિંગમાં થયેલી હિંસા અને ટ્રમ્પના વિવાદિત નિવેદનોથી જોડાયેલા 3 ટ્વીટ પણ હટાવી દીધા હતા. આ પહેલા ફેસબુક અને યુ-ટ્યુબે પણ ટ્રમ્પના વીડિયો હટાવી દીધા હતા. ફેસબુકના વાઇસ પ્રેસિડેન્ટ ગુએ રોજેને જણાવ્યું કે આ કટોકટીની સ્થિતિ છે. ટ્રમ્પના વીડિયોથી હિંસા વધુ ભડકી શકે છે.
હકીકતમાં જ્યારે વોશિંગ્ટનમાં ધમાલ ચાલી રહી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોનુ સંબોધન કર્યુ હતુ. આ દરમિયાન તેમણે સમર્થકોને ઘરે જવાની અપીલ કરી હતી. પરંતુ અમેરિકાની ચૂંટણી અને આ હિંસાહને લઇને કેટલાંક એવા દાવા કર્યા જે અયોગ્ય હતા. આ જ કારણ હતું કે વધુ હિંસા ન ભડકે, તેથી આ એક્શન લેવામાં આવ્યુ.
ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ 12 કલાક માટે લૉક કરી દીધું હતું., એટલે કે હવે તે કોઇ રિટ્વીટ કે કોઇ લાઇક અથવા અન્ય ટ્વીટ નહીં કરી શકે. જો કે તેનું એકાઉન્ટ ચાલુ રહેશે. તેની પહેલા ટ્વિટરે જ ટ્રમ્પની તે તમામ ટ્વિટ્સ હટાવી દીધી જેમાં તેણે ચૂંટણી-હિંસાને લઇને દાવા કર્યા હતાં.