અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સેંકડો સમર્થકોએ સંસદ ભવન કેપિટલ હિલમાં ધુસી ગયા હતા અને તેનાથી થયેલા હિંસામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા થયા હતા અને ત્રણ વ્યક્તિને ગંભીર ઇજા થઈ હતી. અમેરિકાના ઇતિહાસની આ સૌથી વધુ કલંકિત ઘટના માનવામાં આવે છે.

આ હિંસાને પગલે પોલીસે 52 લોકોની ધરપકડ કરી હતી. ફાયરિંગમાં એક મહિલાનું મોત થયું હતું.. વિસ્ફોટ સ્થિતિને કારણે વોશિંગ્ટનના મેયરે શહેરમાં 15 દિવસની ઇમર્જન્સીની જાહેરાત કરી હતી, જે 21 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે.

સંસદ પર હલ્લાબોલ એવા સમયે કરવામાં આવ્યો હતો જ્યારે સાંસદો સત્તાવાર રુપે જો બાઈડનના વિજયની ઘોષણા કરવાની તૈયારી કરી રહ્યા હતા. તે જ સમયે ટ્રમ્પના સમર્થકોએ ભાંગફોડ શરુ કરતાં સુરક્ષાકર્મીઓેએ સાંસદોને આર્મી કેમ્પમાં ખસેડ્યા હતા. ટ્રમ્પના વિરોધીઓએ આ ઘટનાને ગૃહ યુદ્ધ શરુ કરવાના પ્રયાસ સમાન ગણાવી હતા.. દુનિયાભરના નેતાઓએ પણ તેની આકરા શબ્દોમાં આલોચના કરી છે. પોલીસ સાથેની અથડામણ દરમિયાન કેટલાક લોકો સંસદમાં ઘૂસવામાં સફળ રહ્યા હતા, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સાંસદોને પોતાનું કામ છોડીને ભાગવું પડ્યું હતું, અને સેનેટના દરવાજા તુરંત બંધ કરવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ સમર્થકોએ હિંસા દરમિયાન કેમિકલનો પણ ઉપયોગ કર્યો હતો, જેથી સંસદ ભવન પર કબજો કરી શકાય. જોકે, થોડીવારમાં જ મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ પહોંચીને ટોળાંને વિખેરી નાખ્યું હતું. ટોળાંએ કેપિટલ બિલ્ડિંગના બેરિકેટ્સને પણ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે પોલીસને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. સ્થિતિ સતત વણસતા વોશિંગ્ટનમાં કર્ફ્યુનું એલાન કરી દેવાયું હતું, પરંતુ તેમ છતાંય મોટી સંખ્યામાં લોકો કર્ફ્યુનો ભંગ કરી જાહેરમાં આવી ગયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, સંસદ પાસેથી બે પાઈપ બોમ્બ પણ મળી આવ્યા હતા. આ દરમિયાન અમેરિકન સંસદે એરિઝોનામાં બાઈડનની જીત પર ટ્રમ્પ દ્વારા ઉઠાવાયેલા વાંધાને ફગાવી દેવાયો હતો અને ચૂંટણીના પરિણામોને યથાવત રખાયા હતા. કેપિટલ હિલમાં હિંસા બાદ મેનેલિયા ટ્રમ્પનાં ચીફ સ્ટાફ સ્ટીફની ગ્રીસમ, વ્હાઈટ હાઉસના વાઈસ પ્રેસ સેક્રેટરી સારા મેથ્યૂઝે રાજીનામું આપી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે, 2020માં થયેલી પ્રેસિડન્ટની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની હાર થઈ હતી, પરંતુ તેમણે મત ગણતરીમાં ગેરરીતિ થઈ છે તેવું જણાવીને ચૂંટણીના પરિણામ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. ટ્રમ્પે પરિણામો વિરુદ્ધ કાયદાકીય લડાઈ પણ શરુ કરી હતી, પરંતુ તેમાં પોતાની તરફેણમાં ચુકાદો નહીં આવે તેવું જણાતા તેમના તેવર નરમ પડ્યા હતા. આખરે વ્હાઈટ હાઉસ ખાલી કરવા રાજી થયેલા ટ્ર્મ્પે બાઈડનની શપથવિધિમાં હાજર ના રહેવા માટેની તૈયારીઓ શરુ કરતા પણ વિવાદ થયો હતો.