ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 31 જાન્યુઆરી સુધી યથાવત્ રહેશે. આમ ચારેય શહેરોમાં રાત્રે 10થી સવારે 6.00 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.
રૂપાણીએ જણાવ્યું હતું કે હાલ સરકાર રાત્રિ કરફ્યૂમાં કોઈ બાંધછોડ કરવા માંગતી નથી. સરકાર આગામી સમયમાં કોરોનાની સમીક્ષા કર્યા બાદ આ અંગે યોગ્ય નિર્ણય કરશે, પરંતુ હાલમાં તો જે નિર્ણય કર્યો છે તે 31મી જાન્યુઆરી સુધી યથાવત્ રહેશે.
અગાઉ રાજ્ય સરકારે ચારેય શહેરોમાં રાત્રિ કરફ્યૂ ઉત્તરાયણ સુધી લંબાવ્યો હતો. તેની અવધિ પૂર્ણ થતાં મુખ્યપ્રધાને જામનગર ખાતે એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી. ઉલ્લેખનિય છે કે દિવાળીના તહેવારો બાદ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં ઉછાળો આવતા સરકારે ચારેય શહેરમાં નાઈટ કરફ્યૂ લાદ્યો હતો.