પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વિતેલા જમાનાનું લેમ્બ્રેટા સ્કૂટર અને વિક્રમ ટેમ્પો યાદ છે? આવા મશહૂર વ્હિકલનું ઉત્પાદન કરતી કંપની સ્કૂટર ઇન્ડિયા ટૂંકસમયમાં ભૂતકાળ બની જશે. આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિએ બુધવારની બેઠકમાં લખનૌ સ્થિત સ્કૂટર્સ ઇન્ડિયાને બંધ કરવાનો નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

સ્કૂટર્સ ઇન્ડિયામાં સરકારી 93.87 ટકા હિસ્સેદારી છે. સ્કૂટર્સ ઇન્ડિયા ઘણા વર્ષોથી ખોટ કરે છે અને સરકારે તેને વેચવાના પ્રયાસો કર્યા છે, પરંતુ કોઇ ખરીદદાર મળ્યા નથી, તેથી સરકાર તેને બંધ કરે તેવી ધારણા છે.
રોકાણ અને જાહેર સાહસ સંચાલન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે સ્કૂટર્સ ઇન્ડિયા લિમિટેડને બંધ કરવાની ભલામણ કરી છે. આ દરખાસ્ત મુજબ બ્રાન્ડનેમનું વેચાણ અલગ ટ્રાન્ઝેક્શનમાં થશે.

કંપનીની જાણીતી બ્રાન્ડમાં લેમ્બ્રેટા, વિજય સુપર, વિક્રમ અને લેમ્બોનો સમાવેશ થાય છે. કંપની વિક્રમ બ્રાન્ડ હેઠળ થ્રી વ્હિલર્સનું ઉત્પાદન કરે છે.લેમ્બ્રેટા ઇટલીની કંપની ઇનોસેન્ટી દ્વારા ઉત્પાદિત મોટર સ્કૂટર્સનું બ્રાન્ડનેમ છે. ભારત સરકાર 1972માં મિલાન ફેક્ટરીની મશીનરી ભારતમાં લાવી હતી અને ભારતમાં સ્કૂટર્સ ઇન્ડિયાનું સર્જન કર્યું છે. ભારતમાં લેમ્બ્રેટા સ્કૂટર્સ મશહૂર બન્યું હતું અને તે મધ્યવર્ગનું લોકપ્રિય પરિવહન સાધન બન્યું હતું.